આણંદ : આણંદ નડિયાદ શહેર સહિત જિલ્લાભરમાં છેલ્લાં એક અઠવાડિયાથી તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લાં ૨૪ કલાકમાં તાપમાનમાં ફરી ૧ ડિગ્રીનો ઘટાડો થતાં આ તાપમાન ગગડીને ૧૩.૫ ડિગ્રી સેન્ટિગ્રેટ પર પહોંચી જતાં ઠંડીનો સપાટો ફળી વળ્યો છે. ચરોતરમાં તાપમાન નીચે જવા સાથે પવનની ગતિમાં પણ વધારો થવાના કારણે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. દિવસે પણ ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. લોકો ગરમ વસ્ત્રો પહેરીને જ ઘરની બહાર નીકળી રહ્યાં છે. આજે મોસમનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. આણંદ શહેર સહિત જિલ્લાભરમાં તાપમાનમાં ઘટાડો થતાં ગ્રામીણ ક્ષેત્રોમાં કાતિલ ઠંડીનો સપાટો ફરી વળ્યો છે. મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થતાં દિવસના સમયે પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. મોડી સાંજથી જ ઝડપી પવન ફૂંકાવા લાગતાં બજારો સૂનસામ જાેવા મળી રહ્યાં છે. રાત્રીના ડિનર પછી તો લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. રાત્રે ૧૦ પછી માર્ગો ઉપર ચહલ પહલ બંધ થઈ ગઈ છે. ઠંડી વધતાં ખાસ કરીને શ્રમિક અને ખુલ્લામાં રહેતાં ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે. ગરીબ અને શ્રમીક પરિવારો રાત્રીના તાપણું સળગાવી ઠંડીથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વહેલી સવારે દૂધવાળા સહિત કામધંધા પર નીકળતાં લોકો ગરમ વસ્ત્રો પહેરીને જ ઘરની બહાર નીકળવાનું મુનાસીબ માની રહ્યાં છે. ઝડપી પવન ફૂંકાતો હોવાથી દ્વિચક્રિય વાહન ચલકોની હાલત કફોડી બની છે. લોકો વહેલી પણ સવારે તાપણા સળગાવીને ચાની ચૂસ્કી લેતાં જાેવાં મળી રહ્યાં છે. સવારે દસ વાગ્યા સુધી લોકો સૂર્યપ્રકાશમાં બેસીને સૂર્યસ્નાનનો આનંદ માણતાં જાેવાં મળે છે. 

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અહેવાલ અનુસાર આજે મહત્તમ તાપમાન ૨૫ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧૩.૫ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને પવનની દિશા ઉત્તર-પૂર્વીય નોંધાઈ હતી. પવનની ગતિ પ્રતિ કલાક ૫.૨ કિમીની હોવાથી ઠંડીના સૂસવાટાં લોકોએ સહન કરવા પડ્યાં હતાં.