વડગામ,તા.૨૨ 

પાલનપુર તાલુકાના ચંડીસર ગામમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકીને એક એડૂતના મકાનને નિશાન બનાવીને ઘરમાંથી રોકડ રકમ સાથે દાગીનાની ચોરી કરી જતાં ચકચાર મચી ગઇ છે. લોકડાઉન ખુલતાની સાથે જ તસ્કરોએ તરખાટ મચાવવાનું શરુ કરી દીધુ છે.ચંડીસર ખાતે રહેતા ખેડુત નરેશભાઈ મગનલાલ પ્રજાપતિ જમીને ગરમીના કારણે પરિવાર સાથે ઘરની ઓસરીમાં સુઈ ગયા હતા.ત્યારે રાત્રીના સમયે કોઈ અજાણ્યા તસ્કરો દ્રારા મકાનમાં પ્રવેશીને ઘરમાં પડેલ તીજોરી અને કબાટ તોડીને અંદર રહેલા ૧૩ તોલા સોનાના દાગીના ૬.૫૦ લાખના તથા અઢી કિલો ચાંદી કિ. ૧.૧૧,૬૦૦ના દાગીના તેમજ ૧.૦૧૬૦૦ રુપીયાની રોકડ કુલ મળી કુલ રૂ ૮.૬૩૨૦૦ લાખના માલમતાની ચોરી કરી અંધારાનો લાભ લઈને છુમંતર થઈ ગયા હતા. સવારમાં પરિવાર ઉઠતા ઘરમાં ચોરી થયા હોવાની જાણ થઈ હતી. આ અંગેની જાણ ગઢ પોલીસને કરાતા ગઢ પી.એસ.આઈ. એસ.એ.ચૌધરી તાબડતોડ તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ડોગ સ્કવોડ તેમજ એફએસએલની ટીમ બોલાવી તપાસ હાથ ધરી હતી. ચોરોનુ પગેરૂ મેળવવા તજવીજ હાથ ધરી હતી.