અમદાવાદ, શહેરના નરોડામાં વિસ્તારમાં જવેલર્સમાં ગ્રાહક બનીને આવેલા બંટી-બબલીએ સોનાની ચુનીઓ જાેવાના બહાને કારીગરોની નજર ચૂકવી ચાર જ મિનિટમાં ૧.૨૦ લાખની ચોરી કરી લીધી હતી. સ્ટોક ગણતા વેપારીને ચોરીની જાણ થઈ હતી. વેપારીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. સરસપુરમાં રહેતા શીતલ કુમાર નરોડા રોડ પર ગણેશ રેસીડેન્સીમાં શ્રેયાંસ જ્વેલર્સની દુકાન ધરાવે છે. દુકાનમાં બે કારીગર કામ કરે છે. ૬ જાન્યુઆરીના રોજ સવારે તેઓએ તેમની દુકાન ખોલી હતી. કારીગર હરિભાઈ મહેરીયા તથા કમલેશભાઈ સાથે તેઓ જ્વેલર્સ ઉપર હાજર હતા. ત્યારે સાંજે છ વાગ્યે તેમની દુકાન ઉપર એક ગ્રાહક નાકની સોનાની ચૂની લેવા માટે આવ્યા હતા. આ ગ્રાહક કાઉન્ટરમાં નીચે રાખેલ સોનાની ચૂની વાળું બોક્સ જાેતા મળી આવ્યું ન હતું. જેથી શીતલ કુમારે એમના કારીગરોને આ બાબતે પૂછપરછ કરી હતી પરંતુ તે બોક્સ મળી આવ્યું ન હતું. શીતલ કુમારે તેમની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં દુકાનમાં સવારે ૧૧ વાગ્યે એક બહેન તથા એક ભાઈ તેમની દુકાનમાં નાકની ચુની લેવા માટે આવ્યા હતા. સાડી પહેરીને આવેલી મહિલા તેની સાથે અન્ય એક શખ્સ ને લઈને આવી હતી અને જે શખસ તેની સાથે હતો તેને મોઢા પર માસ્ક પણ પહેર્યું હતુ. બંને કારીગરો જ્યારે તેઓને નાકની ચુની બતાવી રહ્યા હતા ત્યારે સાડી પહેરીને આવેલી મહિલાએ ચુની જાેવા માટે એક બોક્સ તેના ખોળામાં લીધું હતું. ત્યારબાદ કારીગરોની નજર ચૂકવી આ બોક્સ તેની સાડીમાં સંતાડી દીધું હતું અને બાદમાં ચુની નથી લેવી એમ કહી બંને જતા રહ્યા હતા. શીતલ કુમારે ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ આધારે બંટી બબલીની શોધખોળ હાથ ધરી છે.