નવી દિલ્હી

મેદાન પર રહેલા ખેલાડીઓ જ્યારે કોઇ રેકોર્ડ સર્જે કે નવી ઉંચાઇ મેળવે ત્યારે ચારેકોર તેની પ્રશંસા થાય છે. દર્શકો ખેલાડીઓ સાથે અને રમત સાથે જોડાયેલા હોય છે. આથી કોઇ પણ રમતના ખેલાડી સાથે જો કોઇ દુર્ઘટના થાય ત્યારે પ્રશંસકો નીરાશ થાય તે સ્વાભાવિક છે. આજે આવાજ એક દુ:ખદ સમાચાર આવી રહ્યા છે. રાજસ્થાનના એક ઉગતા ખેલાડી એટલે કે જોકીનું અશ્વ દોડ દરમિયાન અકસ્માતે મૃત્યુ નિપજ્યુ છે.

ભારતીય પ્રશંસક માટે રમતના મેદાનમાંથી નિરાશાજનક સમાચાર આવી રહ્યા છે. હૈદરાબાદમાં એક ભારતીય ખેલાડી મોટા અકસ્માતનો શિકાર બન્યો અને તેણે દુનિયાને અલવિદા કહી દીધું છે. રાજસ્થાનના 25 વર્ષીય જોકીનું  અહીં અશ્વ દોડ દરમિયાન મૃત્યુ થયું હતું. આ માહિતી પોલીસે આપી હતી. 

પ્રાથમિક તપાસ બાદ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ જોકી  ઘોડા પરથી લપસી ગયો હતો, પરંતુ તેના શરીર પર ઈજાના નિશાન નથી. આ અકસ્માત બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ જોકીને મૃત જાહેર કર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, જોકીના પડવાની ઘટના રેસ ક્લબના કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેને મેળવીને આગળ તપાસ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

ક્લબના સુરક્ષા અધિકારીએ ફરિયાદ નોંધાવી છે અને ઘટના અંગે જોકીના પરિવારને જાણ કરવામાં આવી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગુનાહિત કાર્યવાહી સંહિતા 174 હેઠળ કેસ નોંધીને કેસની તપાસ કરવામાં આવી રહી છે.