આણંદ : ઓર્ગેનિક ખાદ્યપદાર્થો, ફળો-શાકભાજીની વિશ્વમાં સૌથી વધુ ડિમાન્ડ છે. વિશ્વની આ ડિમાન્ડ આપણું યુવાધન પૂરું કરી શકે તેટલું સક્ષમ છે. ખેડૂતોની સમૃદ્ધિ માટે હવે પરંપરાગત ખેતીમાંથી બહાર આવવું જરૂરી બન્યું છે, તેવું ભારત સરકારના કૃષિ મંત્રી પુરુષોેતમ રૂપાલાએ ચારુસેટ યુનિ. સંકુલ ખાતે એક્સેલન્સ સેન્ટરનો પ્રારંભ પ્રસંગે જણાવ્યું હતું. આ પ્રસંગે દાતા ઇપ્કોવાલા પરિવારનું સન્માન કરાયું હતું. 

પુરુષોેતમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ખેતીમાં આમૂલ પરિવર્તન અને માળખાગત સુવિધાઓ ઊભી કરવા રૂપિયા એક લાખ કરોડની વ્યવસ્થા કરી છે. આજે આંતર રાષ્ટ્રીય બજારમાં જેની સૌથી વધુ ડિમાન્ડ છે તે છે ઓર્ગેનિક પાકો. ઓર્ગેનિક પેદાશોનું મોટું માર્કેટ છે અને દેશના યુવાનો માટે સોનેરી તક પણ છે. યુવોએ આ તકને ઝડપી લઈ આગળ વધવું જાેઈએ. પરંપરાગત ખેતીમાંથી બહાર આવી અને ઓછી ખર્ચાળ ખેતી તરફ વળવા તરફ હજુ મોટાં પ્રમાણમાં ખેડૂતો બહાર આવ્યા નથી. આપણે પરિસ્થિતિ બદલવી પડશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં કરકસરયુક્ત અને ઓછી ખર્ચાળ તેમજ નફાકારક ખેતી તરફ યુવા ખેડૂતો આગળ આવે તે જરૂરી બન્યું છે. ચારુસેટ યુનિ. સંકુલ ખાતે આજે વીર સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મ જયંતિ એટલે કે પ્રરાક્રમ

દિવસની ઉજવણીએ ખેતી અને નૂતન ખેતી માટે વૈજ્ઞાનિક સંશોધન માટેનું અનિતા દેવાંગ પટેલ ઇપ્કોવાલા સેન્ટર ઓફ ઍક્સેલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટરનું કૃષિ મંત્રી પુરુષોેતમ રૂપાલાના વરદ હસ્તે, પૂ.ભાઈજી રમેશભાઈ ઓઝા અને સ્વામી પૂ.ગણેશદાસજીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પુરુષોેતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, દાતા દેવાંગભાઈ અને પરિવારનું ખેતી વિષયક સંશોધન માટેની ઉત્તમ સંસ્થા માટેનું દાન ખરેખર ઉપયોગી સાબિત થશે. આ પ્રસંગે પૂ.ભાઈજી રમેશભાઈ ઓઝાએ પોતાના આશીવર્ચનમાં જણાવ્યું હતું કે, ચારુસેટ યુનિ.એ એક વિશ્વાસ ઊભો કર્યો છે. તેઓએ અનિતા દેવાંગ પટેલ ઇપ્કોવાલા સેન્ટર ઓફ એક્સેલન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંશોધનો દેશની ખેતી માટે સમર્પિત થાય તેવી આશા વ્યક્ત કરી દાતા પરિવારને આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે અગ્રણી સુરેન્દ્રભાઈ પટેલ, ચારુસેટ યુનિ.ના પ્રિન્સિપાલ દિલીપ ગણાત્રાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ઇપ્કો પરિવારના દેવાંગભાઈ પટેલે આભાર ભાવ પ્રગટ કર્યો હતો. આ પ્રસંગે પૂ.સ્વામી ગણેશદાસજી, અન્ય સંતો, વિદ્યાર્થીઓ, સેનેટ સભ્યો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.