નડિયાદ : ખેડા જિલ્લામાં વર્ષ ૨૦૦૮માં વિદ્યાસહાયક બોગસ ભરતી કૌભાંડ બાદ બીજા જ વર્ષે ૨૦૦૯માં પણ કેટલાંક વગદાર અધિકારીઓ અને તેમનાં ઓળખીતાઓ દ્વારા પોતાનાં દીકરા- દીકરીઓને વિદ્યાસહાયક તરીકે ખોટાં પ્રમાણપત્રને આધારે મેરિટમાં સમાવિષ્ટ કરાવી દીધાં હતાં. જ્યારે કેટલાંકને તો મેરીટ લિસ્ટમાં ન આવતાં હોય તો પણ ભરતી કરી દઈને તત્કાલીન અધિકારીઓ અને શિક્ષણ વિભાગની સાઠગાંઠ ઉજાગર કરી હતી. આ આખી કૌભાંડિયા ટોળકી દ્વારા અરજદારને ખોટાં સાબિત કરવા માટે સમગ્ર તપાસને આડા પાટે ચડાવીને બોગસ ભરતી થયેલાં વિદ્યાસહાયક શિક્ષકો દ્વારા કરવામાં આવેલ ગુનાહિત કૃત્યને નજર અંદાજ કરવાની ગંભીર ભૂલ કરવામાં આવી રહી છે. 

વર્ષ ૨૦૦૯માં વિકલાંગના બોગસ પ્રમાણપત્રોને આધારે મેરિટમાં આવી ગયેલાં ઉમેદવારોના પ્રમાણપત્રોની ખરાઈ દરમિયાન ખોટાં અને બોગસ હોવાનું માલુમ પડતાં તમામને છુટા કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. ત્યારે ફરી તપાસના નામે જે-તે સમયે પ્રમાણપત્રો બોગસ હોવાના દસ્તાવેજી પુરાવાઓ અત્યારે ખેડા જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગમાંથી ગાયબ થઈ જવા પામ્યાં છે. એકવાર જે-તે તબીબ દ્વારા આવા પ્રમાણપત્રો તેઓ દ્વારા આપવામાં જ આવ્યાં નથી, તેમ જણાવ્યાં બાદ પણ મેડિકલ ચેકઅપમાં મોકલીને સમગ્ર વાતને ઊંઘે પાટે ચડાવાઈ રહી હોવાનું જાેવાં મળી રહ્યું છે. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બોગસ ભરતી માટે જવાબદાર તત્કાલીન પ્રાથમિક શિક્ષણાધિકારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનું કહીને મામલો થાળે પાડવાની કોશિશ થઈ રહી છે. હકીકતમાં ગુનાહિત કૃત્ય આચરનાર અને બોગસ પ્રમાણપત્રો મૂકનાર શિક્ષકો સામે કેમ ગુનો નોંધવામાં આવેલ નથી, તેવાં સવાલો સરકાર અને શિક્ષણ વિભાગની ઈમાનદારી સામે આંગળીઓ ઊઠાવી રહ્યાં છે. ત્યારે આ મામલ શિક્ષણ મંત્રી દ્વારા ગુનાહિત કૃત્ય આચરનાર શિક્ષકોની સાથે સાથે બોગસ પ્રમાણપત્રો ક્યાંથી આવ્યાં તે તપાસ કરવામાં આવે તો ગુજરાત સજ્યમાં ચાલતાં પ્રમાણપત્રોના કૌભાંડનો પર્દાફાશ થઈ શકે તેમ છે.

બે વર્ષ પહેલાં પ્રમાણપત્ર તેઓએ આપેલ નથી તેમ કહ્યું હતું તો પછી મેડિકલ ચેકઅપનું નાટક કેમ?

ખેડા જિલ્લામાં ભરતી થયેલાં શિક્ષકોના વિકલાંગ પ્રમાણપત્રો બોગસ હોવાનું જે-તે સંસ્થાના વડા દ્વારા લેખિતમાં ખરાઈ સમયે બે વર્ષ પહેલાં જણાવ્યું હતું. તેમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા વડોદરા હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે કેમ મોકલ્યાં અને તેમાં પણ દસમાંથી માત્ર નવને મોકલીને અધિકારીની પુત્રીનું ચેકઅપ કેમ ન કરાવ્યું તેવાં સવાલો ઊઠી રહ્યાં છે.

પૂર્વ અધિકારીની પુત્રીને બચાવવા શિક્ષણ વિભાગે નિયમો નેવે મૂક્યાં

ખેડા જિલ્લામાં બોગસ વિકલાંગ બનીને નોકરી મેળવી લેનારાં શિક્ષકો સામેની તપાસમાં શિક્ષણ વિભાગના એક પૂર્વ અધિકારીની પુત્રીને બચાવી લેવાં માટેના પ્રયાસો થઈ રહ્યાં છે. ઈમાનદારીની વાતો કરતાં શિક્ષણ સચિવથી માંડીને પ્રાથમિક શિક્ષણ નિયામક, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને વડોદરા સહિતની હૉસ્પિટલના અધિકારીઓ સંડોવાયા હોવાની વાતો ચર્ચાઈ રહી છે. સરકારના શિક્ષણ મંત્રી આ બાબતથી વાકેફ હોય તો કઈ કહેવાની જરૂર જ નથી, પણ જાે તેઓ અજાણ હોય તો તેમની નાક નીચે અધિકારીઓ મસમોટું કૌભાંડ આચરી રહ્યાં હોવાનું જાેવાં મળી રહ્યું છે.