વડોદરા, તા.૧૨

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સયાજીબાગ રીડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રૂા.૧.૮૦ કરોડના ખર્ચે વિવિધ કામો હાથ પર લેવામાં આવ્યા છે. જેમાં બગીચામાં આકર્ષણના કેન્દ્ર પૈકી એક ફલાવર ક્લોક વિથ સોલર સિસ્ટમ સાથેનું છે. સમગ્ર રાજ્યમાં જાહેરબાગમાં મૂકવામાં આવી હોય તેવી આ પ્રકારની પ્રથમ ફ્લાવર ક્લોક છે. વર્ષો જૂની આ ફ્લાવર કલોકની મશીનરી હવે રીપેર કરવી હવે શક્ય નથી. ફ્લોર ક્લોકની મશીનરી બહુ જૂની થઈ ગઈ છે. જેથી હવે આ ફ્લાવર ક્લોકની મશીનરી સોલર આધારિત ફીટ કરવામાં આવશે અને ક્લોકને નવેસરથી ચાલુ કરવામાં આવશે. હાલ આ ક્લોકના કાંટા કાઢી લેવામાં આવ્યા છે અને કામગીરી શરૂ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ ઘડિયાળ ચાલુ થઈ જશે. ઘડિયાળના આંકડા નવેસરથી મૂકવામાં આવશે. જાે કે તેની ડિઝાઇનમાં કોઈ ફેરફાર થશે નહી. માત્ર સોલર આધારિત મશીનરી સાથે આંકડા પણ નવા મૂકી નવું કલેવર આપવામાં આવશે. સોલર આધારિત ઘડિયાળ ચાલતી કરવામાં આવનાર હોવાથી તે રીયલ ટાઈમ બતાવશે અને કાંટા પણ સેટ કરવા નહીં પડે.

ફલાવર ક્લોકને નવેસરથી ચાલુ કરાયા બાદ તે રાત્રે પણ ઘડિયાળ ઈલ્યુમિનેટ થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે.ઉલ્લેખનિય છે કે, અગાઉ આ ઘડિયાળ ચાલુ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ મશીનરી જૂની થઈ ગઈ હોવાથી ચાલુ કરવા છતાં ટાઈમમાં પાછળ રહી જતી હતી અને યોગ્ય સમય બતાવતી ન હતી.