વડોદરા : ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારોની હત્યા થઇ હોય તે વિચારોનો અમલ કરવા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિતના કોંગી નેતાઓએ કમાટીબાગ સંકલ્પભૂમિ ખાતે સંકલ્પ લઇ ન્યાય અભિયાનનું રણશિંગુ ફૂક્યું છે. સામાજિક ન્યાય અને અધિકાર માટે આજે ૯ ઓગસ્ટના રોજ આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવી સરકારને અપીલ કરી હતી કે, છેવાડાના માણસને ન્યાય મળે તેવી સમાજ માટે સરકારે વ્યવસ્થા ઊભી કરવી પડશે.

કોંગ્રેસ દ્વારા પ્રજાલક્ષી મુદ્દાઓને લઈને રાજ્યસ્તરે આંદોલન ચલાવાઈ રહ્યું છે. જેના ભાગરૂપે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પણ પ્રજાની સમસ્યાના વિવિધ મુદ્દાઓ તથા સરકારની નિષ્ફળતા અંગે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.આજે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા વડોદરા આવ્યા હતા અને કમાટીબાગ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની સંકલ્પભૂમિ ખાતે વંદન કરીને ન્યાય અભિયાનનો આરંભ કર્યો છે. આ દરમિયાન અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ડો. બાબાસાહેબ આંબેડકરે આ સ્થળેથી પોતાના વિચારો દેશને સમર્પિત કરી તે વિચારોની આગેવાની માટે સંકલ્પ લીધો હતો. ૯મી ઓગસ્ટ એટલે ક્રાંતિ દિવસ અને વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે. હાલમાં આદિવાસીના હક્કોનું હનન થયું છે. દેશના પબ્લિક સેન્ટર યુનિટને વેચી ખાનગીકરણ થયું, દેશના યુવાનોનું આઉટસોર્સિંગના બહાને શોષણ, ખાનગી હોસ્પિટલ શાળા-કોલેજમાં ઉચ્ચ સેવા ખોરવી, કોરોનાકાળમાં ગુજરાતના નબળા પરિવારનું શોષણ સહિત આવી અનેક સમસ્યાઓને પડકારવા સામાજિક ન્યાય દિવસની કોંગ્રેસ ઉજવણી કરી રહ્યું છે.