નીરજ ૫ટેલ, તા.૨

પોલીસ વિભાગ બાદ હવે હોમગાર્ડ વિભાગમાં પણ મહિલાઓનું જાતીય શોષણ થતું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સાથી જવાને લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી અનેકવાર જાતીય સંબંધો બાંધ્યા બાદ લગ્ન કરવા તૈયાર નહીં થતાં આ અંગેની હોમગાર્ડ કમાન્ડિંગ જનરલ અમદાવાદ અને વડોદરાના કમાન્ડન્ટને લેખિત ફરિયાદ કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. બીજી તરફ અત્રેની હોમગાર્ડ કચેરીમાં યુવતીઓ મહિલાઓનું મોટાપાયે યૌનશોષણ થતું હોવાની માહિતી બહાર આવી છે અને મોટાપાયે ભ્રષ્ટાચાર પણ થતો હોવાનું માનવામાં આવે છે.

જિલ્લાના એક તાલુકા કક્ષાના ગામમાં રહેતી અને વડોદરા હોમગાર્ડમાં ૧૨ ઉપરાંત વર્ષથી ફરજ બજાવતાી ૪૦ વર્ષીય મહિલાએ હોમગાર્ડમાં જ ફરજ બજાવતા અને વહીવટદાર તરીકે કામ કરતા જયેશ એસ.શર્મા સામે ગંભીર પ્રકારના આક્ષેપો કરતી ફરિયાદ તા.ર૧-૧-૨૨ના રોજ અમદાવાદ અને વડોદરાના હોમગાર્ડના ઉચ્ચ અધિકારીઓને કરી હતી, પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં હવે મહિલા આયોગ, ગૃહ રાજ્યમંત્રી અને અદાલત સમક્ષ ન્યાય માટે મહિલાએ તૈયારી કરી છે.

હોમગાર્ડ કમાન્ડિંગ જનરલ અમદાવાદને મહિલાએ લગ્નની લાલચ આપી શારીરિક શોષણ અને માનસિક ત્રાસ આપનાર હોમગાર્ડ જયેશ એસ.શર્મા સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. અત્યંત ગંભીર પ્રકારના આક્ષેપો કરતી આ ફરિયાદમાં જણાવાયું છે કે હું હોમગાર્ડ વડોદરામાં ફરજ બજાવું છંુ. મારી સાથે ફરજ બજાવતા જયેશ એસ.શર્મા રહે. બરાનપુરાએ મને લગ્નની લાલચ આપી બે વર્ષથી મારી સાથે અનેકવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધો રાખ્યા હતા. બાદમાં મેં લગ્નની વાત કરતાં જયેશ શર્માએ ગલ્લાંતલ્લાં શરૂ કર્યાં હતાં. મારી અનિચ્છા છતાં પોતાની ઈકો કાર લઈને નાઈટ ડયૂટી હોવા છતાં એ ડયૂટી છોડી મારા ઘરે વિદેશી દારૂ લઈને આવતો હતો અને ઠંડાંપીણાંમાં મિક્સ કરી પીધા બાદ મારી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો.

મેં લગ્ન કરી લેવાની જીદ કરતાં અચાનક તેને મોઢું ફેરવી લીધું હતુંઅ ને લગ્ન કરવા તૈયાર થતો ન હતો. મેં ઉચ્ચ અધિકારીને આ અંગે લેખિતમાં જાણ કરતાં મંગલા પટેલ નામના અધિકારીએ કમાન્ડન્ટ ઋતુરાજને જણાવ્યું હતું. બાદમાં મને ન્યાય અપાવવાની જગ્યાએ મને છ મહિના સુધી નોકરી ઉપર આવવાની મનાઈ ફરમાવી દીધી હતી.

મહિલાએ ફરિયાદમાં આપવીતી જણાવતાં ઉમેર્યું હતું કે હોમગાર્ડની ફરજમાંથી ઘર ચલાવું છું. ત્યારે મારી ફરિયાદ બાદ જયેશ શર્માની સામે કાર્યવાહી કરવાને બદલે મને શિક્ષા કરવામાં આવી છે. આમ, પોલીસ વિભાગ બાદ હોમગાર્ડ વિભાગમાં પણ થતા મહિલાઓના યૌનશોષણની ઊંડી તપાસ થાય તો અનેક ચોંકાવનારી માહિતી બહાર આવી શકે

એમ છે.

હોમગાર્ડ વિભાગમાં મોટાપાયે યૌનશોષણ?

હોમગાર્ડ વિભાગમાં મહિલાઓનું મોટાપાયે યૌનશોષણ થાય છે. આ ઉપરાંત ઉચ્ચકક્ષાએથી માંડી નીચલા લેવલ સુધી મોટો ભ્રષ્ટાચાર પણ થાય છે. માનીતી મહિલા કર્મચારીઓને મનગમતી જગ્યાએ જાેઈએ એટલી ફરજ આપવામાં આવે છે. જાે કે, એના બદલે વહીવટદારથી માંડી ઉચ્ચ અધિકારીઓને ખાસ સેવા પૂરી પાડવામાં આવતી હોવાનું કહેવાય છે. આ અંગે ઊંડી તપાસ થાય તો આખું સેક્સ સ્કેન્ડલ બહાર આવી શકે એમ છે.

મીડિયા સમક્ષ ભોગ બનેલી મહિલા આવશે

મહિલા હોમગાર્ડ સાથે લગ્નની લાલચ આપી બળજબરીપૂર્વક બંધાયેલા શારીરિક સંબંધો અંગે ભોગ બનેલી મહિલા ગુરુવારે મીડિયા સમક્ષ ચોંકાવનારી માહિતી પુરાવા સહિત રજૂ કરશે. જયેશ શર્માએ હોમગાર્ડ ગ્રૂપમાં મુકેલા આપત્તિજનક અવસ્થાના વીડિયોની વિગતો ઉપરાંત જયેશના ફોન-કોલના ઓડિયો રેકોર્ડિંગ પણ રજૂ કરશે એવી માહિતી પ્રાપ્ત થઈ છે.