લંડન-

આઈસીસીએ 'પ્લેયર ઓફ ધ મન્થ' એવોર્ડની જાહેરાત કરી હતી. આ વખતે પુરુષ વર્ગમાં ઈંગ્લેન્ડના ફોર્મમાં રહેલા ટેસ્ટ કેપ્ટન જો રૂટને આ ખિતાબ મળ્યો, જ્યારે મહિલા વર્ગમાં આયર્લેન્ડના એમીર રિચર્ડસને આ પુરસ્કાર જીત્યો છે.

કૂતરાને વિશેષ પુરસ્કાર મળ્યો

પ્લેયર ઓફ ધ મોન્થ એવોર્ડ દરમિયાન એક કૂતરો સૌથી વધુ પ્રસિદ્ધિ મેળવવામાં સફળ રહ્યો. ખરેખર આઈસીસીએ નાના પાલતુ કૂતરાને પણ એવોર્ડ આપ્યો હતો. આઈસીસીએ કૂતરાનો ફોટો શેર કર્યો અને તેને 'આઈસીસી ડોગ ઓફ ધ મન્થ' તરીકે કેપ્શન આપ્યું.

આઈસીસીએ તેના ટિ્‌વટર હેન્ડલ પર 'ડેઝલ ધ ડોગ' ની તસવીર પોસ્ટ કરી છે, જેમાં તે તેના મોમાં બોલ દબાવતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ આઈસીસીએ લખ્યું - આ વખતે અમારી પાસે પ્લેયર ઓફ ધ મોન્થ એવોર્ડ માટે બીજો વિજેતા છે.

ખરેખર આ કૂતરો આયર્લેન્ડમાં રમાઈ રહેલી મહિલા ક્રિકેટ મેચમાં મેદાનમાં પ્રવેશ્યો હતો. આ મેચ આયર્લેન્ડ મહિલા ટી-૨૦ કપની સેમીફાઇનલ હતી અને બ્રેડી ક્રિકેટ ક્લબ અને આયર્લેન્ડ ક્રિકેટ ક્લબના સિવિલ સર્વિસ નોર્થ વચ્ચે રમાઇ રહી હતી. મેચની ૮.૪ ઓવરમાં એબી લેકીએ થર્ડમેનની દિશામાં શોટ રમ્યો અને ફિલ્ડરે બોલને વિકેટકીપર તરફ ફેંક્યો. વિકેટકીપરે પણ બોલને સ્ટમ્પ તરફ ફેંકી દીધો હતો, પરંતુ સ્ટમ્પ મારવાને બદલે બોલ બીજી બાજુ ગયો હતો.

આ દરમિયાન એક કૂતરો મેદાન પર ઝડપથી દોડતો આવ્યો અને તેણે બોલને મોંથી પકડી લીધો અને મેદાન પર જ દોડવા લાગ્યો. કૂતરાના ગળામાં એક પટ્ટો બાંધવામાં આવ્યો હતો અને એક છોકરો મેદાન પર તેની પાછળ દોડતો આવ્યો. નોન સ્ટ્રાઈકર છેડે ઉભેલી મહિલા બેટ્‌સમેને કૂતરાને પોતાની પાસે બોલાવ્યો અને બોલ તેના મોમાંથી બહાર કા્‌યો. આ દરમિયાન રમત થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી.