નવી દિલ્હી

ભારતીય મહિલા ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસ પર જશે જ્યાં તેઓ ઇંગ્લિશ મહિલા ટીમ સામે એક ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ ટી-૨૦ મેચ રમશે. સ્પોર્ટ્‌સ વેબસાઇટના અહેવાલ મુજબ ભારતીય મહિલા ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ ૧૬ જૂનથી શરૂ થશે. જ્યાં તેઓ બ્રિસ્ટલમાં ૧૬ થી ૧૯ જૂન દરમિયાન ઇંગ્લેન્ડ સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમશે. આ વર્ષે માર્ચમાં ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) ના સચિવ, જય શાહે ટ્‌વીટ કર્યું હતું કે ભારતીય મહિલા ટીમ ઇંગ્લેન્ડ સામે એક ટેસ્ટ મેચ રમશે. વર્ષ ૨૦૧૪ પછી આ પહેલી વાર હશે, જ્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કોઈ ટેસ્ટ મેચ રમાશે. ભારતીય ટીમે ૨૦૧૪ થી દક્ષિણ આફ્રિકા સામે કોઈ ટેસ્ટ મેચ રમી નથી. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) ના ચીફ એક્ઝિક્યુટિવે કહ્યું કે, અમે આગામી સીરીઝ માટે ઉત્સાહિત છીએ અને ભારતનું આયોજન કરવા માટે ઉત્સુક છીએ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ બાદ પ્રથમ વનડે ૨૭ જૂને, બીજી વનડે ૩૦ જૂને અને ત્રીજી વનડે ૩ જુલાઈએ રમાશે. વનડે સિરીઝ બાદ બંને ટીમો વચ્ચે ૯ થી ૧૫ જુલાઇ સુધી ત્રણ મેચની ટી ૨૦ સિરીઝ રમાશે.