વડોદરા, તા.૭ 

બુધવારે સવારે ન્યુ વીઆઈપી રોડ બ્રહ્મનગરની પાછળ આવેલ મેદાનમાં મળી આવેલ અજાણ્યા યુવકની હત્યા કરનારને ગણતરીના સમયમાં જ હરણી પોલીસે ઝડપી પાડયો છે. ગઈકાલે જ મૃતક અનિલ તિવારી હોવાનું પોલીસે શોધી કાઢયું હતું. ત્યારે એ જેની સાથે કામ કરતો હતો એ લેબર કોન્ટ્રાક્ટર બ્રિજલાલે જ એની હત્યા કરી હોવાનું ઝડપાયા બાદ કબૂલ્યું હતું.

શહેરના ખોડિયારનગર સ્થિત બ્રહ્મનગર-ર પાસેના ખુલ્લા મેદાનમાંથી અનિલ તિવારી નામના યુવકની ભેદી સંજાેગોમાં લાશ મળી આવી હતી. હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે કવાયત હાથ ધરી શંકાના આધારે લેબર કોન્ટ્રાકટર બ્રિજલાલ શારદાપ્રસાદ તિવારીની અટકાયત કરી તેની પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછમાં બ્રિજલાલે કરેલ ગુનાની કબૂલાત કરી જણાવ્યું હતું કે, અનિલ છેલ્લા ઘણાં સમયથી તેના સંપર્કમાં હતો અને અવારનવાર બ્રિજલાલના ઘરે પણ આવતો હતો. ઘર આવી અનિલ બ્રિજલાલની સગીર દીકરી ઉપર નજર બગાડતો હતો જે બાબતની જાણ પિતા બ્રિજલાલને થતાં તેને અનિલને ટોકયો હતો. આ બાબતે હત્યાના બે દિવસ અગાઉ અનિલ અને બ્રિજલાલ વચ્ચે ઝઘડો થયો હતો. બ્રિજલાલ પુત્રના જન્મદિને અનિલે ઘરે આવી બીભત્સ ગાળો બોલી તારી દીકરીને ઉપાડી જઈશ તેવી ધમકી આપી હતી જે બાબતની અદાવત રાખી બ્રિજલાલે મંગળવારે રાત્રે બ્રહ્મનગરના મેદાનમાં બેઠેલા અનિલના માથામાં લોખંડની પાઈપ વડે માથાના ભાગે હુમલો કરી ઢીમ ઢાળી દીધું હતું. હરણી પોલીસે આ મામલે બ્રિજલાલ સામે હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.