અમદાવાદ-

જી.એસ.ટી. હેઠળ કોઇ વેપારી સામે તપાસ ચાલી રહી હોય તો સામાન્ય કારણોસર બેન્ક ખાતા ટાંચમાં લેવાના જી.એસ.ટી. વિભાગના વલણની હાઇકોર્ટે ટીકા કરી છે. આ તપાસ દરમિયાન અમદાવાદના એક વેપારીના બે બેન્ક ખાતા ટાંચમાં લેવાના આદેશને હાઇકોર્ટ રદ કર્યો છે. અને સ્ટેટ જી.એસ.ટી.ની કલમ-૮૩ના ઉપયોગ અંગે યોગ્ય સૂચનો જારી કરવા કેન્દ્રીય નાણા મંત્રાલય અને સી.બી.ડી.ટી. (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ)ના ચેરમેનને નિર્દેશ કર્યો છે. બેન્ક ખાતું ટાંચમાં લેવા અંગેની પિટિશનની સુનાવણી દરમિયાન ટકોર કરી હતી કે સ્ટેટ જી.એસ.ટી. એક્ટની કલમ૮૩ અંગે હાઇકોર્ટે સંખ્યાબંધ આદેશો આપ્યા છે છતાં કોર્ટ સમક્ષ રોજ આ કલમ હેઠળ થયેલી કાર્યવાહી અંગેની સાતથી આઠ પિટિશનો આવે છે. જેના કારણે કોર્ટમાં પિટિશનોનો ભરાવો થઇ રહ્યો છે. જેથી જી,એસ.ટી. વિભાગ આ કલમનો યંત્રવત ઉપયોગ ટાળી તેના પર વ્યાવહારિક ઢબે કાર્યવાહી કરે તો કોર્ટના સમયનો વ્યય થતો રોકી શકાય. પિટિશન સાંભળી જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ વોરાની ખંડપીઠે નોંધ્યું છે કે જી.એસ.ટી. વિભાગ આમ અવારનવાર બેન્ક ખાતા ટાંચમાં લેવાનું પ્રોત્સાહન આપે છે. આ કેસમાં અરજદારના બન્ને બેન્ક ખાતામાં માત્ર 22065 રૂપિયા જ છે અને તેને ટાંચમાં લેવાનું કોઇ કારણ પણ જણાતું નથી. તેથી આ કલમના ઉપયોગ અને તેના હેઠળની કાર્યવાહી માટેની યોગ્ય માર્ગદર્શિકા તૈયાર કરવા કોર્ટે જણાવ્યું છે.