ગોધરા : કાલોલના ગધેડી ફળિયામાં રહેતા અરજદાર પરવેઝ મજીતભાઈ શેખ દ્વારા પાછલા બે વર્ષથી કાલોલ નગરપાલિકા, સિટી સર્વે, પોલીસ તંત્ર અને છેલ્લે જિલ્લા કલેક્ટરને લેખીત રજુઆત કરી હતી 

તેમના જણાવ્યા પ્રમાણે ગધેડીયા ફળિયામાં આવેલ તેમના મકાનની બાજુમાં રહેતા અબ્દુલસાલામ સતારભાઈ જરોદીયા દ્વારા પાલિકાની જમીનમાં પોતાનું ગેરકાયદે દબાણ ઉભું કરીને ફળિયામાં આવવા જવાનો રસ્તો સાંકડો અને ફળિયામાં ગટરનું પાણી બંધ કરી દેવામાં આવતા ભારે અગવડો પડે છે તેવી રજૂઆતને પગલે ગત ૨૨ માર્ચના રોજ કલેક્ટર કચેરી દ્વારા દબાણ દુર કરવા માટે પાલિકાને આદેશ પણ આપ્યો હતો.

પરંતુ એ સમય દરમિયાન અમલમાં આવેલા લોકડાઉનને કારણે વ્યસ્ત બનેલા પાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી બંધ રાખવામાં આવી હતી. જે મધ્યે બે વર્ષ દરમિયાન દબાણ કર્તા અને અરજદારના પરિવાર વચ્ચે આ દબાણ બાબતે મારામારી અને પથ્થરમારાના બનાવો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યા હતા.

આ તમામ ઘટનાઓને અંતે પાલિકાતંત્ર દ્વારા કલેકટરના આદેશ મુજબ ગુરૂવારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવી તકેદારી સાથે કાલોલ મામલતદાર, ચીફ ઓફિસર, પાલિકા ચીફ ઈજનેર, આરોગ્ય ટીમના કર્મચારીઓ અને કાલોલ પોસઈ દ્વારા મહિલા કોન્સ્ટેબલ સહિત પોલીસ બંદોબસ્ત ગોઠવી જેસીબી મશીન દ્વારા અરજદારની રજૂઆત મુજબના દબાણકર્તાએ કરેલા ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા.

જોકે કરેલા દબાણકર્તા દ્વારા પોતાના બચાવમાં કેટલાક કાગળોની નકલ લઇને આવીને મામલતદારને રજૂઆત કરી વિરોધ કર્યો હતો પરંતુ તેના વિરોધને અવગણીને તંત્ર દ્વારા દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા. ગેરકાયદે દબાણ ધરાવતો ઈસમ ઝનૂની તેમજ માથાભારે હતો તેથી હટતું ન હતું.