દિલ્હી-

પાકિસ્તાને પોતાના દેશમાં વધતા કોરોના સંકટને છોડી હવે ભારતની મદદ કરવાની ઓફર કરી છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદન રજૂ કરીને કહ્યું કે તેઓ ભારતને વેન્ટિલેટર, ડિજિટલ એક્સરે મશીન અને પીપીઇ કિટ સહિત કેટલીય જરૂરી વસ્તુઓની નિકાસ કરવા માટે તૈયાર છે. થોડાંક દિવસ પહેલાં ઇમરાન ખાને પણ ટ્‌વીટ કરીને ભારતમાં કોરોનાને લઇ એકજૂથતા દેખાડી હતી.

પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમારી તરફથી કોવિડ-૧૯ની હાલની લહેરને જાેતા ભારતના લોકોની સાથે એકજૂથતાના ભાવથી કોરોનાની વિરૂદ્ધ જંગમાં ઉપયોગ થનાર કેટલીક ખાસ સામગ્રીઓને મોકલવા માટે તૈયાર છે. નિવેદનમાં એમ પણ કહ્યું છે કે બંને દેશ વૈશ્વિક મહામારીના લીધે ઉભા થયેલા પડકારોને નાથવા માટે આગળ ત્વરિત પુરવઠા માટે સહયોગની સંભવિત પદ્ધતિઓની સંભાવનાઓ ચકાસી શકે છે.

આ ઓફર પ્રધાનમંત્રી ઇમરાન ખાનના ભારતના લોકોની સાથે એકજૂથતા દેખાડ્યા બાદ કરી છે. તેમણે કહ્યું હતું કે આપણે માનવતાની સામે આવેલા આ વૈશ્વિક પડકારોને મળીને લડવા પડશે. ઇમરાને કહ્યું હતું કે તેઓ પોતાના પાડોશી અને દુનિયાને આ મહામારીમાંથી ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છીએ. પાકિસ્તાનમાં શનિવારના રોજ રજૂ કરાયેલા આંકડા પ્રમાણે છેલ્લાં ૨૪ કલાકમાં ૧૫૭ લોકોના સંક્રમણથી મોત થયા છે. પાકિસ્તાનમાં એક દિવસમાં થનાર મોતનો આ સૌથી મોટો આંકડો છે. પાકિસ્તાનની રાષ્ટ્રીય સમન્વય સમિતિની એક બેઠક બાદ અવામને સંબોધિત કરતાં ઇમરાન ખાને કહ્યું કે હું તમને એસઓપીનું પાલન કરવાની અપીલ કરી રહ્યો છું જેથી કરીને આપણે એવા પગલાં ભરાવાની જરૂર ના પડે જે ભારત લઇ રહ્યું છે. તેનો મતલબ છે કે લોકડાઉન લાગૂ કરવાનો. જાે તમે ફેસ માસ્ક પહેરો છો તો તેનાથી અડધી સમસ્યાનો ઉકેલ આવી જશે.