અમદાવાદ-

કોરોના મહામારીમાં રક્તદાન કરનારાની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાતાં અમદાવાદ શહેરમાં લોહીની ભારે અછત સર્જાઈ છે, આ સ્થિતિમાં થેલેસેમિયાથી પીડાતા બાળકો અને અકસ્માત સહિતના કિસ્સામાં દર્દીઓ લોહીની ભારે અછતના કારણે મુશ્કેલીમાં મુકાય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેને કારણે અત્યારે જે લોકો સાજા છે તેઓ બ્લડ ડોનેશન માટે આગળ આવે તેવી અપીલ કરવામાં આવી છે. એટલું જ પરંતુ બ્લડ બેંક સાથે સંકળાયેલા આગેવાનોએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, જે લોકો સાજા છે તેઓ કોવિડ વિરોધી રસી લેતાં પહેલાં ચોક્કસ બ્લડ ડોનેશનમાં જાેડાય, કારણ કે રસી લીધા પછી સામાન્ય રીતે ૬૦ દિવસ સુધી બ્લડ આપી શકાતું નથી, આમ સંજાેગો વધુ કપરા ન બને તે માટે રસી લેતાં પહેલાં જ લોહી આપવા અપીલ કરાઈ છે.

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સાથે સંકળાયેલા વિશ્વાસ અમીને જણાવ્યું હતું કે, આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં બ્લડ ડોનેશનમાં ઘટાડો નોંધાયો છે, જેના કારણે અકસ્માત સહિતના ઈમરજન્સી કેસો અને થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને મુશ્કેલી ઊભી થઈ શકે તેવા સંજાેગો ઊભા થયા છે. હવે જે લોકો કોવિડ વિરોધી વેક્સિન લેશે તેઓ ૬૦ દિવસ સુધી બ્લડ ડોનેટ નહિ કરી શકે, આ સ્થિતિમાં અમે સાજા લોકોને અપીલ કરીએ છીએ કે, રસી લેતાં પહેલાં ચોક્કસ બ્લડ ડોનેટ કરે, નહિતર મોટી તકલીફ ઊભી થઈ શકે છે. બ્લડ બેંક સાથે સંકળાયેલા આગેવાનોએ કહ્યું કે, કોરોનાના કેસો ખૂબ વધ્યા છે, આ સ્થિતિને કારણે બ્લડ ડોનેશનનું પ્રમાણ ઘટયું છે. મહત્ત્વનું છે કે, સૌથી વધુ બ્લડ એક્ત્ર કરતી બ્લડ બેંકમાં ફેબ્રુઆરીથી માર્ચ ૨૦૨૧ એમ બે મહિનામાં માંડ ૫૧૨૨ બ્લડ યુનિટ એકત્ર થઈ શક્યું છે, જે અગાઉના બે વર્ષ કરતાં ઓછું છે.