વડોદરા, તા.૩

થોડા સમય અગાઉ શહેરમાં બહુચર્ચિત લવજેહાદના કિસ્સામાં હિન્દુ યુવતીએ વિધર્મી પતિ સાથે સમાધાન કરી રહેવા ગયા બાદ વિધર્મી પતિએ પુનઃ પોત પ્રકાશતાં પત્ની અને સસરાને જાતિવિષયક અપમાન સાથે માર મારતાં સસરાએ વિધર્મી જમાઈ વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકે એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમગ્ર બનાવની વિગત અનુસાર શહેરના તરસાલી વિસ્તારના આદર્શનગરમાં રહેતો સમીર અબ્દુલ કુરેશીએ ગોત્રી વિસ્તારના અંબિકાનગર પાસે આવેલ હિરાબાનગરમાં રહેતા વિજયભાઈ જેઠાભાઈ રોહિતની પુત્રી સાથે જાતિ અને નામ છૂપાવી પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યા હતા.લગ્ન બાદ યુવતીને તેના પ્રેમીપતિની સાચી ઓળખ અને નામ, જાતિની જાણ થતાં હિન્દુ યુવતીએ પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થતાં તેણીએ વિધર્મી પતિ સમીર અબ્દુલ કુરેશી વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં આ બનાવમાં સમીર કુરેશી અને તેના સગાઓની પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ સમગ્ર ચકચારી લવજેહાદના બનાવમાં યુવતીએ સમાધાન કરી પતિ સમીર અને તેના માતા-પિતાને છોડવામાં આવ્યા હતા. એટલું જ નહિ, તેણીએ સમાધાન કરી પતિ સમીર કુરેશી સાથે રહેવા સંમત થઈ હતી.દરમિયાન પતિ સમીર કુરેશીએ ફરી પોત પ્રકાશતાં જૂના બનાવને યાદ કરી પત્ની ઉપર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. જેથી પત્ની તેના પિતાના ઘરે આવી ગઈ હતી. ત્યાં પતિ સમીર કુરેશી પત્નીને લેવા માટે જતાં તેને સસરા વિજયભાઈ રોહિતને જાતિવિષયક અપમાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ઈજા પહોંચાડી હતી અને પત્નીને લઈને જતો રહ્યો હતો. સમીર કુરેશીના આ વર્તનથી ડઘાઈ ગયેલા સસરા વિજયભાઈ રોહિતે ગોત્રી પોલીસ મથકે વધુ એકવાર વિધર્મી જમાઈ સમીર કુરેશી વિરુદ્ધ એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.