એડિલેડઃ

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથે મંગળવારે કહ્યુ કે, વિરાટ કોહલીને પોતાના બાળકના જન્મને ક્રિકેટ પર પ્રાથમિકતા આપવા માટે શ્રેય આપવો જોઈએ કારણ કે ભારતીય કેપ્ટન પર પૂરી ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયામાં રોકાવાનો ઘણો દબાવ હતો. એડિલેડમાં પ્રથમ ટેસ્ટમાં આઠ વિકેટથી હાર બાદ ભારતીય ટીમ ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં 1-0થી પાછળ છે. કોહલી આજે સ્વદેશ આવવા માટે રવાનો થશે જેથી તે પોતાના પ્રથમ બાળકના જન્મ માટે અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા સાથે રહી શકે.  

બીજી ટેસ્ટ મેચ મેલબોર્નમાં 26 નવેમ્બરથી રમાશે. સ્મિથે કહ્યુ, 'કોઈ શંકા વગર આ ભારત માટે મોટુ નુકસાન છે કે બાકી સિરીઝમાં તે રમશે નહીં. આપણે જોવું પડશે કે તે પ્રથમ ઈનિંગમાં કઈ રીતે રમ્યો. આ બોલરોની અનુકૂળ પિચ પર સારા બોલિંગ આક્રમણ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન હતું.' તેણે કહ્યું, મેં પ્રથમ ટેસ્ટ બાદ તેને શુભેચ્છા આપી અને કહ્યું કે, તમારી યાત્રા સુખદ રહે, આશા કરુ કે બાળકની સાથે બધુ બરાબર રહેશે. તમારા પત્નીને મારા તરફથી શુભકામનાઓ આપજો.

સ્મિથે કહ્યુ, 'મને વિશ્વાસ છે કે તેના પર અહીં રોકાવા માટે ખુબ દબાવ રહ્યો હશે પરંતુ પગલું ભરવુ અને પોતાના પ્રથમ બાળકના જન્મ માટે સ્વદેશ પરત ફરવુ, તે માટે તેને શ્રેય જાય છે. તે ચોક્કસપણે તેનો સાક્ષી બનવા ઈચ્છે છે.' કોહલીએ ડે-નાઇટ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 74 રન બનાવ્યા હતા, જે બંન્ને ટીમો તરફથી બેટ્સમેનનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો. સ્મિથે માત્ર એક રન બનાવ્યો હતો.

સ્મિથ ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર શેન વોર્નની દ્રષ્ટિ સાથે પણ સહમત નથી કે તમામ ટેસ્ટ મેચોમાં લાલ બોલના સ્થાને ગુલાબી બોલનો ઉપયોગ કરવો જોઈએ. તેણે કહ્યું, વ્યક્તિગત રીતે હું ઈચ્છીશ કે લાલ બોલ ક્રિકેટ જીવિત રહે. મને લાગે છે કે એક સિરીઝ ઘણી છે. જેમ અમે એડિલેડમાં જોયું, તેણે શાનદાર કામ કર્યું. અમે ખુબ સારી રીતે દિવસ-રાત ટેસ્ટ મેચ રમી છે. સ્મિથે કહ્યુ, હું ચોક્કસ પણે લાલ બોલ ક્રિકેટ રમવાના પક્ષમાં છું.