ભરૂચ, તા.૨૦ 

નર્મદા સુગર ધારીખેડાની ચૂંટણી પ્રક્રિયા હાલમાં પુરજોશમાં ચાલુ છે ત્યારે હાઈકોર્ટે ચૂંટણી નિયત સમયે યોજાશે પરંતુ તેનું પરિણામ તેના આદેશ બાદ જાહેર કરવામાં આવશે તેમ જણાવતા સહકારી માળખામાં ભારે ગરમાવો આવી ગયો છે. ખાંડ ઉદ્યોગને નિર્દિષ્ટ મંડળીને બદલે પ્રાથમિક મંડળીમાં રાજ્ય સરકારે પરિવર્તન કરતા નારાજ થયેલા ખેડૂત આગેવાનો તેમજ અન્ય સુગરના સંચાલકોએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી.

ભરૂચ નર્મદા જિલ્લાના હજારો ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા સુગરની ચૂંટણી પુનઃ વિવાદના વંટોળે ચઢી છે. પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા સુગર ઉપરાંત રાજ્ય ની અન્ય સહકારી ખાંડ ઉદ્યોગને નિર્દિષ્ટ મંડળી ને બદલે પ્રાથમિક મંડળીમાં રાજ્ય સરકારે પરિવર્તિત કરતા આથી નારાજ થઇ હજારો ખેડૂતોના હિતમાં નર્મદા સુગરના ખેડૂત સભાસદ અને ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના ખેડૂત આગેવાન કલ્પેશ દેસાઈએ હાઈકોર્ટમાં આ મામલે અપીલ કરી હતી. સાથે જ અન્ય સુગર મિલ પણ જોડાઈ હતી જે મામલે સુનાવણી દરમ્યાન નર્મદા સુગરની ચૂંટણી જાહેર થઇ હોવાનો મુદ્દો ઉપસ્થિત થતા હાઇકોર્ટે નર્મદા સુગરની ચૂંટણીના પરિણામો હાઈકોર્ટે માં ચાલતા કેસના ચુકાદા સુધી જાહેર નહિ કરવા આદેશ કર્યો હતો. આમ નર્મદા સુગરની ચૂંટણી પ્રક્રિયા ચાલુ રહેશે પરંતુ તેનુ પરિણામ ૨૭.૧૦.૨૦ ના રોજ જાહેર નહિ થાય અને હાઈકોર્ટેના આદેશ બાદ પરિણામ જાહેર થશે અને જયારે પણ હાઇકોર્ટે ચુકાદો આવશે તે તમામ ને બંધનકર્તા રહેશે તેમ જણાવ્યું હતું. ધારીખેડા સુગરની ચૂંટણીમાં જીતવા નેત્રંગ-મૌઝા સીટના ઉમેદવારોનું એડીચોટીનું જોર

નેત્રંગ-મૌઝા સીટના ઉમેદવારોએ વિજય હાંસલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ધારીખેડા સુગરની વ્યવસ્થા કમિટીની ચુંટણીમાં ઘનશ્યામ પટેલની સહકાર પેનલને ટ્રેક્ટર અને સુનિલ પટેલે ખેડુત સહકાર પેનલને ગન્ના કિશાનનું ચુંટણી ચિહ્ન ફાળવવામાં આવ્યું છે,બંને પેનલના ઉમેદવારો વચ્ચે ચુંટણીમાં ભારે રસાકસીનો માહોલ જણાઇ રહ્યો છે. નેત્રંગ-મૌઝા સીટના બંને પેનલની ઉમેદવારોએ વિજય હાંસલ કરવા એડીચોટીનું જોર લગાવ્યું છે,જેમાં નેત્રંગ સીટ ઉપરથી ઘનશ્યામ પેટલની પેનલના ઉમેદવાર કિશોરસિંહ વાંસદીયા,મૌઝા સીટના ઉમેદવાર સંજયભાઇ ભગત છે.જ્યારે સુનીલ પટેલની પેનલનાનેત્રંગ સીટના ઉમેદવાર અલ્પેશ પટેલ,મૌઝા સીટના ઉમેદવાર રણજીત વસાવા છે,બંને સીટના કુલ ૭૫૩ મતદારો આગામી ૨૬ ઓક્ટોબરના પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે,જેમાં નેત્રંગ સીટ માટેના ૪૩૦ મતદારો એમ.એમ ભક્ત હાઇસ્કુલ,અને મૌઝા સીટના ૩૨૩ મતદારો ચાસવડ હાઇસ્કુલમાં મતદાન કરશે.