નર્મદા-

મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ નિર્માણ થતાં વધેલી આવકને પરિણામે સરદાર સરોવર બંધની સપાટી 132.88 મીટરની ઊંચાઈને આંબી ગઈ છે. પરિણામે નર્મદા બંધના 23 દરવાજા ખોલીને ભરૂચ તરફ 11 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચ અને વડોદરાના 5000થી વધુ લોકોને સલામત સ્થળે મોકલી આપવામાં આવ્યાં છે.

ગયા વર્ષે 138.50 મીટરની સર્વોચ્ચ સપાટીએ પાણી પહોંચ્યા હતા. આ વર્ષે પણ સપ્ટેમ્બર માસમાં તે માટેનું આયોજન કરવામાં આવશે. નર્મદા બંધમાં ક્યારે કેટલું પાણી સંગ્રહવું તે અંગે નિયમો નિશ્ચિત થયેલા છે. આ નિયમોનો મહત્તમ ઉપયોગ કરીને જળ સંચય કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યારે ગુજરાતના કેનાલ નેટવર્કમાં 15000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે સુજલામ-સુફલામના માધ્યમથી પુષ્પાવતી-ખારી, પુષ્પાવતી-રૂપેણ (બહુચરાજી) જેવી નદીઓ અને ખાલી રહેલા તળાવો ભરવાની કામગીરી ચાલી રહી છે. સપ્ટેમ્બરમાં પડનારા વરસાદ પ્રમાણે પાણીનો સંચય કરવાનું આયોજન ચાલી રહ્યું છે.