દિલ્હી-

અફઘાનિસ્તાનમાં મહિલાઓ, સામાન્ય લોકો અને તે પ્રદર્શનને કવર કરી રહેલા પત્રકારો તાલિબાનના સપાટામાં આવ્યા છે. તાલિબાન દ્વારા વચગાળાની સરકારની જાહેરાત બાદ કાબુલમાં વિવિધ જગ્યાઓએ મહિલાઓએ પ્રદર્શન કર્યું હતું અને સરકારમાં હિસ્સાની માગણી કરી હતી.મહિલાઓ દ્વારા કરવામાં આવેલું તે પ્રદર્શન ખૂબ નાનું હતું પરંતુ તાલિબાનોએ તેને પણ હલાવીને રાખી દીધું હતું. તાલિબાનીઓએ મહિલાઓ સાથે મારપીટ કરી હતી અને ત્યાં ઉપસ્થિત પત્રકારોને પણ માર માર્યો હતો. હવે સરકારની રચના બાદ તાલિબાને જાહેરાત કરી છે કે, સરકારની પરવાનગી વગર કોઈ પણ પ્રકારના પ્રદર્શનને મંજૂરી નહીં અપાય.

સોશિયલ મીડિયામાં એવા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં તાલિબાનીઓ મહિલાઓ સાથે મારપીટ કરી રહ્યા છે તેમ દેખાઈ રહ્યું છે. તાલિબાનીઓએ મહિલાઓ અને પત્રકારોને ડંડાઓ અને રાઈફલની બટ વડે ફટકાર્યા હતા. સાથે જ અનેક પત્રકારોની ધરપકડ કરીને તેમને માર મારવામાં આવ્યો છે. મહિલાઓ એટલા માટે પણ પ્રદર્શન કરી રહી છે કે, સત્તામાં આવ્યા બાદ તાલિબાને મહિલાઓ પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા છે. શાળા-કોલેજીસમાં છોકરા અને છોકરીઓને એક સાથે અભ્યાસ નથી કરાવાઈ રહ્યો અને પોષાકને લઈને પણ અનેક પ્રતિબંધો લાદ્યા છે. હાલ મહિલાઓ કામ નથી કરી શકતી જ્યારે તાલિબાને એમ કહ્યું હતું કે, તેમની સરકારમાં મહિલાઓની ભાગીદારી રાખશે. ઉલ્લેખનીય છે કે, કાબુલ ઉપરાંત મજાર એ શરીફ અને અન્ય શહેરોમાં છેલ્લા ૨-૩ દિવસથી પ્રદર્શનો તેજ થયા છે. અમેરિકાના વોશિંગ્ટન ખાતે પણ અફઘાની નાગરિકો પ્રદર્શન કરી રહ્યા છે. અફઘાની નાગરિકોમાં તાલિબાન ઉપરાંત પાકિસ્તાન પ્રત્યે પણ ગુસ્સો છે. પાકિસ્તાની વાયુસેનાએ તાજેતરમાં જ પંજશીર વિસ્તારમાં ડ્રોન વડે હુમલો કર્યો હતો તથા તાલિબાન સામે લડી રહેલા નોર્ધન એલાયન્સના ફાઈટર્સને નિશાન બનાવ્યા હતા.તાલિબાન શાસન બાદ સામાન્ય લોકો ખૂબ જ ચિંતામાં આવી ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી કાબુલ સહિત અલગ અલગ શહેરોમાં તાલિબાન સરકાર વિરૂદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે, આ પ્રદર્શનોની આગેવાની મહિલાઓ કરી રહી છે. જાેકે તાલિબાન આ પ્રદર્શનોને લઈ ભારે રોષમાં છે.