વડોદરા

એક તરફ કોરોના મહામારીમાં અંતિમ ક્રિયા માટે સ્મશાનોમાં લાકડા નથી તો બીજી બાજુ કોન્ટ્રાક્ટર દ્વારા લાકડા સીધા સો-મીલમાં લઈ જવાતા વિવાદ સર્જાયો છે.વડોદરામાં વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં લઈને ઝાડની ડાળખીઓનું ટ્રિમિંગ અને કટિંગ કરવાનો કોન્ટ્રાક્ટ જે કોન્ટ્રાકટરને આપવામાં આવ્યો છે તે કોન્ટ્રાકટર દ્વારા જેલ રોડ પર કટિંગ કરી જે લાકડાં પડયાં હતાં તે ખાનગી સૉ મિલમાં લઈ ગયા હોવા અંગે રજૂઆત કોંગ્રેસના કાઉન્સિલરે કરી આ અંગે તપાસ કરી કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની તેમજ જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માગ કરી હતી.

આ અંગે વોર્ડ નં.૧૩ના કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વેએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, શહેરમાં વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા રચના બિલ્ડિંગ કોન્ટ્રાકટરને ઝાડની ડાળીઓ ટ્રિમિંગ-કટિંગ કરવાનો ઈજારો આપવામાં આવેલ હતો. પરંતુ આ ઈજારદાર દ્વારા બીજા અન્ય સબ કોન્ટ્રાકટરને જેલ રોડ ઉપર આવેલ વૃક્ષોનું ટ્રિમિંગ કરવાનો ઈજારો આપવામાં આવ્યો હતો.તે ઈજારદાર દ્વારા વૃક્ષોનું ટ્રિમિંગ કર્યા બાદ જે વૃક્ષોના લાકડાં પડેલ હતાં તે લાકડાં ખાનગી સૉ મિલમાં જમા કરાવવામાં આવ્યા હોવાની વાત સામે અવી છે અને આ અંગેની તપાસ ગાર્ડન વિભાગના હવાલાના ડાયરેકટરને સોંપવામાં આવી છે. ત્યારે શું આવી રીતે ઈજારદાર ખાનગી સૉ મિલમાં લાકડાં જમા કરાવી શકે છે? જેલ રોડ પર જે વૃક્ષોનું ટ્રિમિંગ કરવામાં આવ્યું હતું તેના લાકડાં ખરેખર ક્યાં ગયાં અને તે લાકડાં કેટલા મણ હતાં? શું તે લાકડાં અટલાદરા સ્ટોરમાં જમા કરવામાં આવેલ છે કે નહીં? ઈજારદાર દ્વારા કામગીરીમાં ગેરરીતિ કરવામાં આવી હોય તો તેને તાત્કાલિક ધોરણે બ્લેક લિસ્ટ કરવો જાેઈએ અને આ ઈજારદાર ઉપર ફોજદારી તેમજ તટસ્થ તપાસ થવી જાેઈએ તેવી માંગ કરી હતી.પાલિકાના સૂત્રોના જણાવ્યુ મુજબ ઉત્તરઝોનમાં ટ્રી કટીંગનો કોન્ટ્રાકટ પૂરો થયો છે. પરંતુ વાવાઝોડાની સ્થિતીને ધ્યાને લઈ મૌખીક કામગીરીની સૂચના આપવામાં આવી હતી.પરંતુ જાે કોન્ટ્રાક્ટર લાકડા સીધા લઈ ગયો હોંય તો તેની તપાસ કરાશે.