વડોદરા

બેન્ક લોન પર લીધેલી ટાટાટ્રકના માલિકે બેન્કની લોનના બાકીના હપ્તા ભરવાની શરતે અને બાંયધરીના આધારે વેચાણ કરાર દ્વારા અન્ય વેચાણ કર્યા બાદ ટ્રક ખરીદનાર વ્યક્તિએ બેન્કની લોનના હપ્તા ભર્યા વગર ત્રીજી વ્યક્તિને વેચી રોકડી કરી લેનાર ભેજાબાજ શખ્સ વિરુદ્ધ ટ્રકના મૂળ માલિકે ડેસર પોલીસ મથકે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ડેસર તાલુકાના ઉદલપુર ગામે રહેતા પ્રકાશભાઈ રાયમલજી વણઝારાએ બેન્કની લોન પર ટાટા ટ્રક ખરીદી હતી, તે બાદ કોઈ કારણ વગર પ્રકાશભાઈએ ટ્રકને વેચી દેવાનું નક્કી કરી ગ્રાહકની શોધમાં હતા, એ દરમિયાન રાજેન્દ્રભાઈ બળવંતસિંહ પરમારનો સંપર્ક થયો હતો. ટ્રક ખરીદવાની વાતચીત થઈ હતી જેમાં બેન્કની લોનના રૂા.૯.૭૦ લાખના હપ્તા બાકી હોવાની સ્પષ્ટતા સાથે પ્રકાશભાઈએ રાજેન્દ્રભાઈ સાથે ટ્રકનો સોદો નક્કી કર્યો હતો. તે બાદ બેન્કના હપ્તા ભરવાની બાંયધરી સાથે વેચાણ કરાર સાથે ટ્રક રાજેન્દ્રભાઈને આપી હતી.

આ ભેજાબાજ રાજેન્દ્રભાઈ પરમારે બેન્કની લોનના હપ્તા ભર્યા વગર જ આ ટ્રક અન્ય ત્રીજી વ્યક્તિને રૂા.૭.ર૦ લાખમાં વેચાણ કરાર સાથે ફટકારી મારી હતી. બીજી તરફ બેન્કની લોનના બાકીના હપ્તાની નોટિસ ટ્રકના મૂળ માલિક પ્રકાશભાઈ વણઝારા ઉપર આવતાં તેઓ રાજેન્દ્રભાઈને બેન્કના હપ્તા બાકી હોવાના મુદ્‌ે મળવા ગયા હતા, જ્યાં રાજેન્દ્રભાઈએ પ્રકાશભાઈ સાથે દાદાગીરી કરી ધાકધમકી આપી હતી. આ સમગ્ર મામલો ડેસર પોલીસ મથકે પહોંચ્યો હતો અને ટ્રકના મૂળ માલિકે ભેજાબાજ રાજેન્દ્ર પરમાર વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.