વડોદરા

બે દિવસ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના દર્દીઓની સેવામાં દિવસ-રાત ખડેપગે ફરજ બજાવતા સરકારી હોસ્પિટલોના તબીબો, પેરામેડિકલ સહિતના સ્ટાફનો આભાર માની બિરદાવ્યા હતા. ત્યારે આજે અત્રેની સયાજી હોસ્પિટલના બે જુદા જુદા તબીબોએ તેમની માતાઓના મોત બાદ અંતિમક્રિયાની વિધિ પૂર્ણ કરી તરત જ પુનઃ ફરજ ઉપર હાજર થયા હોવાથી ઓએસડી ડો. વિનોદ રાવે બિરદાવ્યા હતા.

સયાજી હોસ્પિટલના પીએસએમ વિભાગમાં કાર્યરત અને છેલ્લા સવા વર્ષથી કોવિડ મેનેજમેન્ટમાં અવિરત કાર્યરત ડો. રાહુલ પરમારની માતાનું તાજેતરમાં અવસાન થયું હતું. વડોદરા ખાતે ફરજ બજાવતા આ તબીબના માતા ગાંધીનગર ખાતે રહેતાં હોવાથી તેઓ ગાંધીનગર ગયા હતા. માતાના અંતિમસંસ્કારની ફરજાે પૂરી કરીને વહેલી સવારે તેઓ વડોદરા આવી ગયા હતા અને પોતાની ફરજ પર જાેડાઈ ગયા હતા. માતાનું અવસાન હૃદયદ્રાવક ઘટના છે. પરંતુ આ ભારે ખોટ તેમની ફરજનિષ્ઠાને વિચલિત ન કરી શકી. કદાચ તેમણે એવું માન્યું હશે કે આ કટોકટીના સમયે કોવિડ સેવાથી વધુ શ્રેષ્ઠ કોઈ શ્રદ્ધાંજલિ ન હોઈ શકે. આ તબીબના ફાળે અઘરી ગણી શકાય એવી કોવિડ ફરજ આવેલી છે. એમણે સારવાર દરમિયાન મૃત્યુના પ્રસંગે મૃતક દર્દીના સ્વજનોને આ સમાચાર આપવાની અને તમામ વિધિઓ પૂર્ણ કરાવી મૃતદેહ સોંપવાની કપરી ફરજાે અદા કરવાની હોય છે. કોવિડની આ ફરજાે દરમિયાન તેઓ જાતે ગત ડિસેમ્બરમાં કોરોનાગ્રસ્ત થયાં હતાં અને સાજા થઈને પાછા ફરજાેમાં જાેડાઈ ગયા હતા. આવી જ બીજી ઘટના સયાજી હોસ્પિટલમાં કોવિડ ડ્યૂટી એસોસિયેટ પ્રો. ડો.શિલ્પા પટેલ સાથે બન્યું છે. તેમણે પણ પોતાની વહાલી માતા ગુમાવી છે. તેઓ ગમગીન હૃદયે અંતિમસંસ્કારમાં જાેડાયાં અને માત્ર ૬ કલાક પછી સવારે ૯ વાગ્યા પાછા પૂર્વવત્‌ કોવિડ ડ્યુટીમાં લાગી ગયાં હતાં.