વડોદરા, તા.૨૮

નિઝામપુરા વિસ્તારમાં મેઈનરોડ પર આવેલી આત્મરાજ સોસાયટીમાં મેઈનરોડ પર રહેતા ટ્યુશનક્લાસ સંચાલકના બંગલામાં આજે ધોળેદહાડે ત્રાટકેલા તસ્કરો રોકડ અને દાગીનાઓ સહિત આશરે આઠેક લાખની મત્તા ચોરી કરી ગયા હતા. જાેકે આ બનાવમાં ફરિયાદમાં પોલીસે ૧.૮૬ લાખની ચોરી દર્શાવી તપાસ શરૂ કરી છે.

નિઝામપુરા ગરબા ગ્રાઉન્ડ પાસે આવેલી આત્મરાજ સોસાયટીમાં મેઈનરોડ પર બંગલો ધરાવતા શિક્ષક કૈાશિકભાઈ મહેન્દ્રભાઈ વ્યાસ આજે સવારે આશરે સવા નવવાગે ખંભાત ખાતે સાસરીમાં મરણપ્રસંગમાં ગયા હતા. આજે બપોરે સાડાત્રણ વાગે તે ઘરે પરત ફરતા તેમને ચોંકવનારી જાણ થઈ હતી કે ધોળેદહાડે તેમના બંગલામાં ત્રાટકેલો તસ્કરો મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર બેડરૂમ અને અન્ય રૂમમાં મુકેલી તિજાેરીઓ અને કબાટનો સામાન વેરણછેરણ કરી આશરે આઠેક લાખની મત્તાની ચોરી કરી ગયા છે.

આ બનાવની તેમણે પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી જેના પગલે ફતેગંજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તપાસ કરી હતી. આ બનાવની કૈાશિકભાઈએ ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પરંતું પોલીસે તેમના મકાનમાં રોકડ અને સોનાચાંદીના દાગીના સહિત માત્ર ૧.૮૬ લાખની મત્તાની ચોરી થયાની ફરિયાદ નોંધી હતી. મેઈનરોડ પર ધોળાદહાડે બંગલામાં ચોરી કરીને તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો છે પરંતું તેમ છતાં પોલીસ તંત્ર આજે બદલી થયેલા પોલીસ અધિકારીઓના વિદાય સમારંભમાં ગીત-સગીંત અને ડીનરના કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા હતા.