આણંદ : ગત રવિવારે ગોકુલધામ નાર દ્વારા નિરાધારજનો, ગરીબ પરિવારો, ગંગા સ્વરૂપા બહેનો અને સમાજના જરૂરિયાત ધરાવતાં પરિવારોને અપનાવી એનઆરઆઈ દાતાશ્રીઓના દાનનો સંપૂર્ણ સદ્દઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સેવાધામ ગોકુલ ધામ નાર ખાતે ૧૧૦૦૦ નિઃશુલ્ક જેકેટ અને ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

જેકેટ તથા ટોપીઓનું પ્રતિકાત્મક વિતરણ કરવાની શરૂઆત રવિવારે વડતાલ ગાદીના આચાર્યશ્રી ૧૦૦૮ ધ.ધુ.રાકેશપ્રસાદજી મહારાજશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આચાર્ય રાકેશ પ્રસાદજીએ જણાવ્યું હતું કે, ગોકુલધામ નારના સુખદેવ સ્વામી, હરિકેશવ સ્વામી, હરિકૃષ્ણ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ અને સમાજને રાજી કરવાનું કાર્ય કર્યું છે. વિશેષ ઉપસ્થિત રહેલાં સાંસદ મિતેષભાઈ પટેલે કહ્યું હતું કે, એનઆરઆઈ દાતાઓના દાનનો સંપૂર્ણ સદુપયોગ અને જેને જરૂર છે એને જ મળે એવું સુંદર મેનેજમેન્ટ ગોકુલધામ નાર દ્વારા થઈ રહ્યું છે.

આ અંગે ગોકુલધામ નારનાં શુકદેવ સ્વામીનાં જણાવ્યાં મુજબ, આ ગરમ જેકેટનું વિતરણ યોગ્ય પાત્રતા ધરાવતાં વયોવૃદ્વોને કરાશે, જેની ઉંમર ૬૦ વર્ષ ઉપર હોય અને જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, ટુ વ્હીલર કે ફોર વ્હીલર ધરાવતાં ન હોય, જમીન ધરાવતાં ન હોય તથા વિધવા, નિઃસહાય, ત્યક્તા, બહેનોને કરવામાં આવશે. યોગ્ય જરૂરિયાતમંદ નક્કી કરવા પાછળનો ઉદ્દેશ એક જ છે કે આ સેવા આણંદ જિલ્લાના જરૂરિયાતમંદ વૃદ્વો સુધી પહોંચે, જેથી જરૂરિયાતમંદ વ્યક્તિ તેનાંથી વંચિત ન રહી જાય.

આ પ્રસંગે પૂ.હરીપ્રસાદ સ્વામી(સાળંગપુર), સાંસદ મિતેષભાઇ પટેલ, ચારૂતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઇ પટેલ તથા પ્રમુખ કેળવણી મંડળ તારાપુરના ભૂપેન્દ્રભાઇ પટેલ, અગ્રણી મહેશભાઈ પટેલ સહિત અન્ય આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ગરમ જેકેટ તથા ટોપીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કોના સહયોગથી આ શક્ય બન્યું?

અમેરિકા સ્થિત વર્જિનીયા બીચ ગ્રૂપના શૈલેષભાઇ પટેલ (તારાપુર) તથા મનનભાઇ શાહના આર્થિક સહયોગથી મળેલાં ૧૧૦૦૦ ગરમ જેકેટ તથા ટોપીઓનું વિતરણ આગામી દિવસોમાં સમગ્ર આણંદ જિલ્લાના જરૂરિયાતમંદ વૃદ્વોને કરવામાં આવશે.

અગાઉ વિદ્યાર્થીઓને સ્વેટર-ટોપી અપાયાં હતાં

અત્રે ઉલ્લેખનીય છે રોટરી કલબ, પાટીદાર સમાજ, કેળવણી મંડળ તારાપુર દ્વારા પહેલાં ૧૦ હજાર વિદ્યાર્થીને સ્વેટર ટોપી, વૃદ્ધોને લાકડી અને આજે ૧૧ હજાર વૃદ્ધોને સ્વેટર-ટોપી અર્પણ કરી ગરીબોને જીવનમાં જે જરૂર છે તે બધંુ જ તેઓને ગોકુલધામ નારના સાધુઓના માધ્યમથી પ્રાપ્ત થયું છે.

આગામી ફેબ્રુઆરીમાં માતા-પિતા વગરની દીકરીઓનાં સમૂહલગ્ન યોજાશે

ગોકુલધામ નાર દ્વારા આગામી તા. ૫-૨-૨૦૨૧ના રોજ તૃતિય પાટોત્સવ નિમિત્તે માતા-પિતા વગરની દીકરીઓનાં સમૂહલગ્ન, દિવ્યાંગોને ટ્રાયસિકલ, વિધવા તથા ત્યક્તા બહેનોને સિલાઈ મશીન વિતરણ તેમજ વર્જિનીયા બીચ ગ્રૂપના સહયોગથી ઉનાળાનાં તાપમાં ગરીબોને ૧૧૦૦૦ જાેડી ચપ્પલ વિતરણ કરવામાં આવશે.