વડોદરા

સમગ્ર રાજ્ય સહિત શહેર-જિલ્લામાં હાહાકાર મચાવી રહેલ જીવલેણ મ્યુકોરમાઈકોસિસના બે દર્દીઓના સારવાર દરમિયાન મોત થયાં હતાં, જ્યારે આજે વધુ ત્રણ દર્દીઓ સારવાર માટે દાખલ થયા હતા. આ સાથે દર્દીઓની કુલ સંખ્યા ૧૦૧ થઈ હતી, જ્યારે ૬ દર્દીઓના મેજર અને માઈનોર ઓપરેશન કરવામાં આવ્યા હતા. તે બાદ ૧૦ દર્દીઓની બાયોપ્સી સેમ્પલો લઈને ટેસ્ટ માટે લેવામાં મોકલી આપવામાં આવ્યા હતા.

કોરોનાની મહામારી સાથે મ્યુકોરમાઈકોસિસના કેસો પણ વધી રહ્યા છે અને સારવાર માટે શહેર-જિલ્લાના અને શહેર બહારના દર્દીઓ મ્યુકોરમાઈકોસિસની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવી રહ્યા છે. આજે દિવસ દરમિયાન વધુ ત્રણ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. આ સાથે કુલ સંખ્યા ૧૦૧ થઈ હતી. જાે કે, કુલ ૧૧૦ દર્દીઓ પૈકી ૯ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલમાં રોજેરોજ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ દાખલ થતાં હોવાથી હોસ્પિટલના સત્તાધીશોને વધુ નવો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે જે શરૂ કરી દેવામાં આવ્યો છે. આજે દાખલ દર્દીઓ પૈકી બે દર્દીઓ જનરલ એનેસ્થેસિયા અને ૪ ને લોકલ એનેસ્થેસિયા આપી ઓપરેશન કરવામાં આવ્યા હતા. જ્યારે બે દર્દીના મોત થયા હતા.