વડોદરા : ભડકાઉ પોસ્ટ મુકી વૈમનસ્ય પેદા કરતા હોવાના આક્ષેપ સાથે ‘હિન્દુસ્તાની ભાઉ’ નામના ચાલતા ટ્‌વીટર એકાઉન્ટ સામે કંપનીને ફરિયાદ થતાં અંતે આ ટ્‌વીટર એકાઉન્ટ ટ્‌વીટર દ્વારા ‘સસ્પેન્ડ’ કરી દેવાયું છે. સામાન્ય લાગતી આ ઘટનાના છેડા વડોદરા સાથે મળતા હોવાનું સપાટી પર આવ્યું છે. દિલ્હી સ્થિત શશાંક અરોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ ઉપર ‘હિન્દુસ્તાની ભાઉ’ અંગે આ માહિતી આપી છે. જેમાં તેમણે કરેલી ફરિયાદ બાદ આ થયાનું જણાવ્યું છે. સાકેત ગોખલેએ તેમના ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આપેલી માહિતી અને તસવીરો અનુસાર મુંબઈનું સરનામું ધરાવતી ‘એક્સવાૅક મીડિયા’ નામની સંસ્થાના નેજા હેઠળ આ ‘હિન્દુસ્તાની ભાઉ’ નામનું ટ્‌વીટર એકાઉન્ટ ઓપરેટ થાય છે. સાકેત ગોખલેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ઉપરોક્ત બાબતના દસ્તાવેજી પુરાવાઓ રૂપે અનેક તસવીરો મૂકી છે, જે દર્શાવે છે કે ઉપરોક્ત ‘એક્સવાૅક મીડિયા’ના કો-ફાઉન્ડર અને સીઈઓ વડોદરાના રાજ ડાંગર છે તથા ફાઉન્ડર સીઈઓ મનન શાહ છે, જે માત્ર ૨૧ વર્ષની વયે ‘એથિક્લ હેકર’ તરીકે નામના મેળવી ચૂકેલા છે. સાકેત ગોખલેના જણાવ્યા પ્રમાણે ‘હિન્દુસ્તાની ભાઉ’નું અસલી નામ વિકાસ જયરામ ફાટક ઉર્ફે બબલુ છે, તે મુંબઈ રહે છે અને તેના ‘હિન્દુસ્તાની ભાઉ’ના એકાઉન્ટ હેઠળ યુ-ટયૂબ પર ભડકાઉ વીડિયો પોસ્ટ કરવા માટે એટલો જાણીતો છે કે જાણીતા રિયાલિટી શો ‘બીગબોસ ૧૩’માં પણ તેને આમંત્રિત કરાયો હતો. તેની અભદ્ર ભાષા અને વૈમનસ્ય ફેલાવવાના ભડકાઉ ભાષણો અંગે તેની સામે કેસો પણ થયા છે.

સાકેત ગોખલેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મુકેલી ઉપરોક્ત તમામ માહિતીમાં એવું પણ જણાવ્યું છે કે, રાજ ડાંગર એ વડોદરાના ભૂ.પૂ. મેયર અને બેન્ક ઓફ બરોડાના ડાયરેક્ટર ભરત ડાંગરનો સગો ભાઈ છે. રાજ ડાંગર એબીવીપીના વિદ્યાર્થી નેતાથી માંડી અનેક સંસ્થામાં સક્રિય હોવા ઉપરાંત ભાજપામાં પણ સક્રિય ભૂમિકા ભજવવાની સાથે સાથે તેમના દ્વારા સ્થાપિત ‘એક્સવાૅક મીડિયા’ નામની કંપનીમાં તેઓ ‘સરકાર સાથેના સંબંધો સાચવવાનો’ પોર્ટફોલિયો સંભાળે છે! તેમના ભાઈ અને વડોદરાના ભૂ.પૂ. મેયર, બેન્ક ઓફ બરોડાના ડાયરેક્ટર ભરત ડાંગરના રાજકીય મૂળ કેટલા ઊંડા છે તે દર્શાવતી તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં શેર કરાઈ છે જેમાં ભરત ડાંગર મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે ઘરોબો ધરાવતા હોવાનું દર્શાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાડા ચાર લાખથી વધુ ફોલોઅર ધરાવતા વિકાસ જયરામ ફાટક ઉર્ફે બબલુના ‘હિન્દુસ્તાની ભાઉ’ હેન્ડલ રાજ ડાંગર અને મનન શાહ દ્વારા સ્થપાયેલી ‘એક્સવાૅક મીડિયા’ નામની મુંબઈ સ્થિત કંપની ‘હિન્દુસ્તાની ભાઉ’ની ડિજિટલ સ્ટ્રેટેજી અને સોશિયલ મીડિયા સંભાળતા હોવાનું આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવાયું છે. આજે ઉપરોક્ત મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વધુ એક ડાંગરબંધુઓ અને વડોદરા ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.