અમદાવાદ-

એક બાજુ રાજ્ય સરકારે અમદાવાદમાં કર્ફ્યુ જાહેર કર્યું છે, ત્યારે શનિવારના રોજ કેન્દ્રની ટીમ ગુજરાત આવીને કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરશે. ત્યારે આ બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાન નીતીન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રની ટીમ શુક્રવારે રાત્રે અમદાવાદ ખાતે આવી જશે, ત્યારબાદ તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ જઈને જે તે અધિકારીઓ સાથે બેઠક કરીને ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ મુદ્દે સમીક્ષા કરશે. અમદાવાદમાં રાત્રીના 9 વાગ્યાથી સોમવાર સવારે 6 કલાક સુધી કરફ્યુ જાહેર કર્યો છે, ત્યારે શનિવારે સરકાર રાબેતા મુજબ ચાલુ છે. પરંતુ અમદાવાદ થી ગાંધીનગર આવતા તમામ સરકારી કર્મચારીઓની રજા જાહેર કરવામાં આવી છે. આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જીએડીને સૂચના આપી દીધી છે.

દિવાળીના તહેવાર દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાનું પ્રમાણ વધતાં રાજ્ય સરકારે અમદાવાદમાં 58 કલાકનો કરફ્યું જાહેર કર્યો છે. ત્યારે શુક્રવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી હાઈ પાવર કમિટીની બેઠકમાં અમદાવાદ શહેર સાથે સુરત, રાજકોટ અને વડોદરામાં પણ શનિવારે રાત્રિના 9 કલાકથી સવારના 6 કલાક સુધી કર્ફ્યુ લાદવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.