નર્મદા-

સમગ્ર વિશ્વભરમાં ભારતની એકતાનાં પ્રતિક સમાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેકટ પર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, તામીલ અને તેલુગુ ભાષાનાં ગાઈડ ઉપલબ્ધ હતા. હવે સંસ્કૃત ભાષામાં પણ ગાઇડની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. ભાષાની વિવિધતામાં પણ એકતાનાં સુત્રને સાર્થક કરતા અહીંયા અલગ-અલગ રાજ્યમાંથી અને વિદેશમાંથી આવતા પ્રવાસીઓને માહિતી મળી રહે તે માટે ભાષાકીય ગાઇડ ઉપલબ્ધ છે, ત્યારે હવે સંસ્કૃત ભાષાનાં ગાઇડ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનાં મન કી બાત પ્રોગ્રામમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર સંસ્કૃતમાં પણ ગાઇડ કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરીને આ કાર્યના વખાણ કર્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે, કેવડીયામાં ૧૫થી વધુ ગાઈડ સહેલાઈથી સંસ્કૃત બોલી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું હતુ કે, સંસ્કૃત ભારતની પ્રાચિનતમ્‌ ભાષા છે. કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ૧૫થી વધુ ગાઇડ સહેલાઈથી સંસ્કૃત બોલી શકે છે. જે માટે તમામને ૨ મહિનાની સવિશેષ તાલીમ આપવામાં આવી છે. આ કાર્ય વડા પ્રધાનની પ્રેરણાથી શકય બન્યું છે. આગામી સમયમાં પણ વડાપ્રધાનની પ્રેરણાથી નવા કાર્યો થતા રહેશે.