વડોદરા, તા.૨૦

સવા વર્ષ ઉપરાંતના સમયથી કોરોનાને કારણે વિવિધ ફરવાલાયક સ્થળો ઉપર લૉકડાઉન અને પ્રતિબંધોને કારણે સૌથી વધુ નુકસાન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોને થયું છે. આવક બંધ થઈ જતાં આ વ્યવસાય સાથે સંકળાયેલાઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. સરકારને કરેલી રજૂઆતો છતાં એ પ્રત્યે ધ્યાન નહીં અપાતાં સમગ્ર રાજ્યના જુદા જુદા સ્થળો ઉપર વિરોધ પ્રદર્શિત કરવા ધરણાં યોજાયાં હતાં, એ અંતર્ગત આજે રાજમહેલ રોડ પર ટ્રાવેલ્સ સંચાલકોએ ધરણાં યોજ્યાં હતાં.

અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મંડળ ૧૫ હજારથી વધુ બસોનું સંચાલન કરે છે, જે સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ અણઘણ છે. સંસ્થા દ્વારા ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલી કેટલીક બાબતો અંગે સરકારને અવારનવાર રજૂઆત કરી છે, તેમ છતાં સરકાર દ્વારા કોઈપણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી અને મુલાકાત માટે સમય પણ ફાળવ્યો નથી, જેથી સંસ્થા દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખીને ૧૦ દિવસમાં મુલાકાત માટે સમય ફાળવવા માગ કરી હતી અને જાે સમય નહીં ફાળવે તો ધરણાં યોજવાની ચીમકી ઉચ્ચારી હતી. રાજમહેલ રોડ પર આવેલી વિહાર ક્લબની સામે ટ્રાવેલ્સની ઓફિસમાં ટ્રાવેલ્સ સંચાલક સલીમભાઈ દીવાને ધરણાં યોજ્યાં હતાં અને માગ કરી હતી કે એમ વી ટેક્સમાં ૬ મહિના માટે ૫૦ ટકા રાહત, નોનયૂઝ એડવાન્સ ટેક્સમાંથી કાયમી મુક્તિ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ વ્યવસાયને સહાય પેકેજ, હદ ઉપર ચેકિંગ સમયે રેપિડ ટેસ્ટ તથા સંકલન બેઠક બોલાવવામાં આવે.