નડિયાદ : સેવાલિયાના મહારાજના મુવાડાની ચેકપોસ્ટ પાસેથી પોલીસે દારૂની હેરાફેરી કરતી કારને ઝડપી લીધી હતી. પોલીસે કારચાલક અને અન્ય એક શખસની અટકાયત કરી હતી. કારની તપાસ કરતાં પોલીસે દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા ૭ લાખ ૭૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કારચાલક પ્રભુલાલ ડાંગી અને તેનાં સાથી ચંદનદાસ વૈષ્ણવને ઝડપી પાડ્યાં હતાં.

રાજ્યભરમાં દારૂબંધી હોવા છતાં દારૂના જથ્થાની બેરોકટોક હેરાફેરી થઈ રહી છે. સેવાલિયાની પોલીસે બાતમીના આધારે મુવાડાની ચેકપોસ્ટ ઉપર કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તે સમયે આ ચેકપોસ્ટ પરથી પસાર થઇ રહેલી એક કાર ઉપર પોલીસને શંકા જતાં તેને અટકાવવામાં આવી હતી. પોલીસને આ કારમાં દારૂની હેરફેર થઈ રહી હોવાની બાતમી મળી હતી. કારની તલાશી લેતાં તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, તપાસ દરમિયાન પોલીસને કારની પાછળની સીટ ઉપરથી ૧૮૦ મિલીની ૧૭૨૮ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત આશરે ૮૬ હજાર રૂપિયા થાય છે. પોલીસે કારચાલક પ્રભુલાલ ડાંગી અને તેનાં સાથી ચંદનદાસ વૈષ્ણવને ઝડપી પાડ્યાં હતાં. તેમની કાર સહિત કુલ રૂપિયા ૭ લાખ ૭૦ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.