વડોદરા, તા.૨૨

સમગ્ર દેશ, રાજ્ય સહિત વડોદરામાં બેકાબૂ બનેલા ઘાતક કોરોનાએ આજે સયાજી હોસ્પિટલમાં ખેંચની બીમારીની સારવાર લઈ રહેલા ભરૂચ સબજેલના કેદીનો કોરોનાએ ભોગ લીધો હતો. આ સાથે શહેર-જિલ્લામાં નવા ૩૭૦૯ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. નવા આવેલા કેસો સાથે શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૯૬,૦૯૦ ઉપર પહોંચી છે. જેમાં ૧૫,૪૮૫ દર્દીઓ હોમ આઈસોલેશન અને ૧૪,૮૩૬ દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ એક્ટિવ કેસ ૧૫,૭૪૯ પૈકી ૨૬૪ દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે જેમાં ૧૫ દર્દીઓ વેન્ટિલેટર ઉપર અને ૯૪ દર્દીઓ ઓક્સિજન ઉપર સારવાર લઈ રહ્યા છે. દિનપ્રતિદિન ઓક્સિજન અને વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે.

આજે સયાજી હોસ્પિટલમાં ભરૂચ સબજેલના કેદીને ખેંચની બીમારીને કારણે સારવાર માટે દાખલ કરવામાં આવતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેની અંતિમક્રિયા કોરોનાની ગાઈડલાઈન મુજબ ખાસવાડી સ્મશાન ખાતે કરવામાં આવી હતી. જાે કે, મહાનગરપાલિકાની ડેથ ઓડિટ કમિટીએ સત્તાવાર કોરોનામાં ડેથનું સમર્થન ન આપતાં કોરોનાનો સત્તાવાર મૃત્યુઆંક ૬૨૬ ઉપર સ્થિર રહ્યો હતો. જાે કે, આજે ૧૨૦૭ જેટલા દર્દીઓની તબિયતમાં સુધારો આવતાં તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. આમ કુલ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા ૭૯,૭૧૫ ઉપર થઈ હતી.

પાલિકાની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કોરોનાલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી શહેરના તાંદલજા, બાપોદ, એકતાનગર, માંજલપુર, હરણી, સુદામાપુરી, વાઘોડિયા રોડ, ગોત્રી, રામદેવનગર, કપુરાઈ, સવાદ, જેતલપુર, શિયાબાગ, અકોટા, ફતેપુરા, છાણી, કિશનવાડી, વડસર, મકરપુરા વગેરે વિસ્તારોમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. જેમાં ચારેય ઝોન પૈકી દક્ષિણ ઝોનમાં ૭૫૧, પશ્ચિમ ઝોનમાં ૭૬૭, ઉત્તર ઝોનમાં ૭૦૬, પૂર્વ ઝોનમાં ૫૯૯ અને ગ્રામ્યમાંથી ૮૮૬ કેસ મળી કુલ ૩૭૦૯ કેસ નોંધાયા હતા. શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં આજે સૌથી વધુ કેસ ૮૮૬ ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવ્યા હતા, જેને કારણે જિલ્લા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.

તાત્કાલિક સારવાર વિભાગ કોવિડ કેર સેન્ટર સાથે રાખતા સ્ટાફના કર્મચારીઓમાં કચવાટ

સયાજી હોસ્પિટલના વહીવટી અધિકારીઓએ તાત્કાલિક સારવાર વિભાગને તેના મૂળ સ્થાને કોવિડ કેર સેન્ટરમાં લાવ્યા બાદ કોરોનાની ત્રીજી લહેરમાં હોસ્પિટલમાં દાખલ કેસોની સંખ્યા વધતાં તાત્કાલિક સારવાર વિભાગના પ્રથમ માળે કોવિડ કેર સેન્ટરના બનાવેલા આઈસીયુ વોર્ડમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવતાં તાત્કાલિક સારવાર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ નર્સ્િંાગ સ્ટાફ અને તબીબી સ્ટાફમાં સત્તાધીશો વિરુદ્ધ છૂપારોષની લાગણી વ્યાપી છે અને તાત્કાલિક સારવાર વિભાગને શિફટ કરવા માટેની માગણી દોહરાવી છે. આજે સયાજી હોસ્પિટલમાં કોવિડની ઓપીડી દરમિયાન શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૧૦૭ના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. હાલ હોસ્પિટલના કોવિડ વોર્ડ એમએનએચમાં ૫૧ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે જે ફૂલ થઈ જતાં કેટલાક દર્દીઓને તાત્કાલિક સારવાર વિભાગના પ્રથમ માળે આવેલ કોવિડ સેન્ટરના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.