કાબુલ-

કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલાને લઈને ગુસ્સે ભરાયેલા અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ISIS-K ના આતંકીઓ વિરુદ્ધ એર સ્ટ્રાઈક કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નાંગરહાર ક્ષેત્રમાં અમેરિકા દ્વારા ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમેરિકન સેનાએ કાબુલ બ્લાસ્ટના મુખ્ય સૂત્રધારને મારી નાંખ્યો છે. કાબુલ એરપોર્ટ પર થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 13 અમેરિકન સૈનિકોના મોત બાદ વ્હાઈટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધતી વખતે રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું હતું કે, "અમે હુમલાખોરોને માફ નહીં કરીએ, તેમને શોધી શોધીને મારવામાં આવશે અને તેમણે કિંમત ચૂકવવી પડશે." કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલામાં 13 સૈનિકોના મોત બાદ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને ખાતરી આપી હતી કે, તેઓ જવાબદારો સામે કડક પગલા લેશે. આતંકવાદી સંગઠન ISIS-K દ્વારા બોમ્બ બ્લાસ્ટની જવાબદારી સ્વિકારાઈ તેના બીજા જ દિવસે ડ્રોન વડે હુમલો કર્યો છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે કાબુલ એરપોર્ટ પર થયેલા બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ ISISના ખુરાસાન જૂથના એક આતંકવાદીને ઠાર માર્યો છે. યુએસ સંરક્ષણ વિભાગના પ્રવક્તા કેપ્ટન બિલ અર્બને આ માહિતી આપી હતી. જ્યારે, અમેરિકાએ તેના નાગરિકોને તાત્કાલિક કાબુલ એરપોર્ટ પરથી ખસી જવા કહ્યું છે, કારણ કે ત્યાં આતંકી હુમલા નો ભય હોવાનું જણાવાયુ છે. આમ અમેરિકા દ્વારા વળતો હુમલો કરી આતંકીઓ ને કડક મેસેજ અપાયો છે.