વડોદરા-

સરકારે આ વખતે ગરબાના આયોજનની પરવાનગી આપી નથી. જોકે સરકારના આ નિર્ણયનો વિરોધ કરવાને બદલે લોકો તેનું સમર્થન કરી રહ્યા છે. આ વખતે ભક્તો ઘરે બેઠાં જ માતાજીની આરાધના કરશે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામે ઐતિહાસિક મા તુલજા ભવાની માતાજીનું મંદિર આવેલું છે. જોકે નવરાત્રિના પહેલા દિવસે અહીં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. આ વખતે મંદિરમાં 25 ઓક્ટોબર સુધી નવરાત્રિની ઉજવણીને લઈને માતાજીની આરાધના કરવામાં આવશે.

આ અંગે મહંત કવિન્દ્રગરિજીએ જણાવ્યું કે, તુલજા ભવાની માતાજીના મંદિરે આજે સવારે 8.30 વાગ્યે ઘટસ્થાપન કરવામાં આવ્યું છે. જ્યારે 23 ઓક્ટોબરે શુક્રવારે દુર્ગાષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. માતાજીના દર્શને આવતા તમામ ભક્તો માટે ચંડી યાગ પણ યોજવામાં આવશે, જેમાં શ્રીફળ હોમવાનો સમય સાંજે 4 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. દર વર્ષે દશેરાના દિવસે ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે અને સરકારના આદેશને ધ્યાનમાં રાખીને મહાપ્રસાદનું આયોજન કરવામાં નથી આવ્યું. ભક્તો માટે માતાજીના દર્શનનો સમય સવારે 6થી સાંજે 8 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. બપોરના સમયે પણ માતાજીના દર્શન ખુલ્લા રહેશે. જ્યારે સવારે અને સાંજે 6 વાગ્યે માતાજીની આરતી કરવામાં આવશે.