વડોદરા, તા.૨૪

વડોદરા આવેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. સંબિત પાત્રાએ કહ્યું હતું કે, એક તરફ વડાપ્રધાન સતત ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે અને જંગી જાહેરસભાઓ સંબોધી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ જેતા સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ પ્રચારમાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. રાહુલ ગાંધી મહેનત કરતા નથી એટલે તેઓ ક્યારેય પીએમ બની શકે નહીં તેમ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, પીએમ મોદીના કારણે ભારત દેશમાં વિકાસ અવિરત થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં ભારત આગળ ધપી રહ્યું છે. હિન્દુસ્તાનમાં ઈકોનોમીમાં ભારત ૧૧મા ક્રમે હતું, તે પાંચમા ક્રમ ઉપર આવી ગયું છે. આજે દેશમાં ૧૧ લાખ પાકાં મકાનો, ૩૬ લાખ મહિલાઓને સિલિન્ડર, ૪ કરોડ માટે અન્ન યોજના જેવી અનેકવિધ ગરીબો અને વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પીએમનો અર્થ માત્ર પ્રાઈમ મિનિસ્ટર નથી, પરંતુ પસીનો અને મહેનત પણ છે જે વડાપ્રધાન મોદી દેશના વિકાસ માટે પસીનો પણ પાડી રહ્યા છે અને મહેનત પણ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વડોદરા શહેર-જિલ્લાની તમામ ૧૦ બેઠકો પર ભાજપનો વિજયશ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.