સુખસર,તા.૨૩ 

ફતેપુરા તાલુકાના સુખસરમાં ગત રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં લઘુમતી સમાજના જૂથ દ્વારા સિંધી સમાજના એક પરિવાર ઉપર હિંસક હુમલો કર્યો હતો.જેમાં એક યુવક સહિત ત્રણ મહિલાઓને તેમજ એક નાની બાળકી ને ઈજા પહોંચી હતી. યુવકને ગંભીર ઇજાઓ થતા સુખસર સારવાર બાદ વધુ સારવાર અર્થે સંતરામપુર ખસેડાયો હતો. આ ઘટનાને લઈ મોટી સંખ્યામાં પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો. હિચકારા હુમલા ને લઇ સુખસરમાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો હતો.

 ફતેપુરા તાલુકાના સુખસરમાં બુધવારની રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં લઘુમતી સમાજ દ્વારા સિંધી સમાજના રહેણાંક મકાન ઉપર હિચકારો હિંસક હુમલો કરાયો હતો. અંગત અદાવતે થયેલી બોલાચાલી બાદ લઘુમતી જૂથ દ્વારા હુમલામાં સિંધી પરિવારના ઘરમાં ઘૂસી તોડફોડ મચાવી હતી.તેમજ ભાવેશ ચેતવાણીને માથાના ભાગે તથા શરીરે મારક હથિયારોથી ગડદાપાટુનો માર માર્યો હતો.એક વૃદ્ધ ડોશીમાંને પણ માર માર્યો હતો.અન્ય બે મહિલાઓને પણ માર માર્યા બાદ એક નાની બાળકીને પણ માર મારતા અરેરાટી વ્યાપી ગઇ હતી.હિંસક હુમલામાં યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડતાં તેમજ બૂમાબૂમથી અન્ય ગ્રામજનો દોડી આવતા હુમલાખોરો ભાગી છૂટયા હતા.ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે દવાખાને લઈ જવાયો હતો.જ્યાંથી વધુ સારવાર અર્થે સંતરામપુર ખાનગી દવાખાને ખસેડાયો હતો.આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો.અને સ્થિતિ કાબૂમાં લીધી . જ્યારે આજરોજ સુખસર પોલીસે હુમલાખોર પાંચ આરોપીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.તેમજ આ પાંચ આરોપીઓને કોરોના રિપોર્ટ માટે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.