વડોદરા : વડોદરા મહાનગર પાલિકામાં શાસકોએ સત્તાની ધુરા સાંભળ્યા પછીથી સૌ પ્રથમ પાણીના પ્રશ્ને મકરપુરા અયોધ્યા ટાઉનશિપમાંથી મહિલાઓનો મોરચો આવ્યો હતો.જ્યાં છેલ્લા આઠ આઠ વર્ષથી પાણીના પ્રશ્ન બાબતે રહીશોને લોલીપોપ આપવામાં આવે છે. તેમજ દશ દશ વર્ષથી પાણીવેરો ભરવા છતાં ઘર આંગણે પાણી આવતું નથી.જેને લઈને ટેન્કરથી પાણી અપાતા અપૂરતો જથ્થો મળતો હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે. આ પાણીના પ્રશ્ને આવેદન આપવામાં આવ્યું છે. પાલિકા કચેરીએ મહિલાઓના મોરચાએ સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.મેયર કેયુર રોકડીયાએ શાસનની ધુરા સાંભળ્યા પછીથી આ સૌ પ્રથમ મોરચો પાલિકા કચેરીએ આવ્યો હતો. અયોધ્યા ટાઉનશીપના રહીશોનો આક્ષેપ હતો કે તેઓના ઘર આંગણે બિલકુલ પાણી આવતું નથી.આ બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં એનો કોઈ ઉકેલ આવતો નથી. આ બાબતે પાલિકાના શાસક પક્ષના નેતા અલ્પેશ લીંબાચીયાને રજૂઆત કરવા છતાં તેઓએ ઉડાઉ જવાબ આપ્યાના આક્ષેપો આક્રોશ સાથે મહિલાઓએ કાર્ય હતા.

પોલીસ પકડશે તો અહીં જ ખાઈ પીને રહીશું

મકરપુરા અયોધ્યા ટાઉનશિપની મહિલાઓને પોલીસ દ્વારા અટકાયતનો ડર બતાવવામાં આવતા એમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.આખરે આ વાતથી ચાંચઈડાઇને રણચંડી બનેલી મહિલાઓએ રોકડું પરખાવી દીધું હતું કે પાણીનો ત્રાસ સહન કરવા કરતા પોલીસના હાથે પકડાઈ જવામાં કોઈ વાંધો નથી. આ પ્રશ્ન ઉકેલાશે નહિ ત્યાં સુધી અહીં જ ખાઈ પી ને બેસી રહીશું.

મત લેનારાઓએ કાચિંડાની માફક રંગ બદલ્યા

પાણીના મામલે માકરપુરાથી મોરચો લઈને આવેલ મહિલાઓએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે,પાણીના પ્રશ્ને પાલિકાના શાસક પક્ષના નેતા અલ્પેશ લીંબાચીયાને રજૂઆત કરતા તેમને અગાઉની માફક જાેઇશુ, કરીશું.જેવા ઉડાઉ જવાબ આપ્યા હતા. અમે એમને ખોબે ખોબે મત આપ્યા છે.પણ મત લીધા પછીથી તેઓએ ગરજ પતિને વૈદ્ય વેરીની જેમ કાચિંડાની માફક રંગ બદલ્યા છે.

ટૂંકા અને લાંબા ગાળાના આયોજન થકી પ્રશ્ન હલ કરાશેઃ મેયર

પાલિકાના મેયર કેયુર રોકડીયાએ આ મામલે જણાવ્યું હતું કે, ટૂંકા ગાળા અને લાંબા ગાળાના આયોજન થાકી આ પાણીનો પ્રશ્ન હલ કરાશે. આ મકરપુરા અયોધ્યા ટાઉનશીપનો વર્ષો જૂનો પ્રશ્ન છે. જેના શોર્ટ ટર્મ ઉકેલ માટે અધિકારીઓ સાથે વાત કરી છે. લાંબા ગાળાના આયોજનમાં મહીસાગરમાંથી ફસ્ટ ફેઝમાં ૫૦ એમએલડી પાણી અને બીજા ફેઝમાં ૧૦૦ એમએલડી પાણી દક્ષિણ ઝોનને અપાતા ત્યાંની પાણીની સમસ્યાનો ઉકેલ આવી જશે.

ટેન્કરનું પાણી ભરતા ભરતા એટેક આવ્યો ભારતીબેન પટેલ

મકરપુરા અયોધ્યા ટાઉનશીપના રહીશ ભારતીબેન પટેલે આક્રોશ સાથે જણાવ્યું હતું કે,દૂર દૂરથી ટેન્કરમાંથી પાણી લાવી લાવીને મને હાર્ટ એટેક આવ્યો હતો.જેને લઈને એની સારવાર પાછળ પાંચ લાખનો ખર્ચો થયો હતો.આ નાણાંનો ખર્ચ મને કોણ આપશે? એવો સીધો પ્રશ્ન કર્યો હતો.