વડોદરા

સેન્ટ્રલ કાઉન્સિલ ફોર ઈન્ટિગ્રેટેડ મેડિસિન (સીસીઆઈએમ) દ્વારા તાજેતરમાં જાહેર કરેલ નોટિફિકેશનમાં આયુર્વેદિક તબીબોને પ૮ પ્રકારની સર્જરી કરવાની જે છૂટછાટ આપવામાં આવી છે, તે દર્દીઓના આરોગ્યના હિતમાં નહીં હોવાથી ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ) દ્વારા આ નોટિફિકેશન પરત ખેંચવાની માગ સાથે સમગ્ર દેશમાં તા.૧ ફેબ્રુઆરીથી ૧૪મી ફેબ્રુઆરી દરમિયાન પ્રતિક ઉપવાસનું આંદોલન છેડયું છે, જેની શરૂઆત ગુજરાતમાં ૧લી ફેબ્રુઆરીથી અમદાવાદથી થઈ ચૂકી છે. જ્યારે વડોદરા ખાતે તા.૮ અને ૯ ફેબ્રુઆરીના રોજ શહેરના નાગરવાડા, શારદામંદિર સ્કૂલની બાજુમાં આવેલ આઈએમએ ઓફિસ હાઉસ ખાતે પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિક ઉપવાસ વડોદરાના તમામ મેડિકલ કોલેજના પ્રતિનિધિઓ સમર્થનમાં જાેડાશે તેમ આઈએમએના ઝોનલ મંત્રી ડો. પરેશ મજમુદારે જણાવ્યું હતું. આ અગાઉ પણ સરકારનો આ નોટિફિકેશનનો વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર પ્રમુખ ડો. કૈલાસબેન પરીખની આગેવાનીમાં આપીને રજૂઆત કરાઈ હતી.