વડોદરા, તા.૩ 

શહેરના અનેક વિસ્તારોમાં પાણીની ઘટ અને પ્રેશરની સમસ્યા છે ત્યારે પાલિકા દ્વારા આ પ્રશ્નના નિરાકરણ માટે રૂા.૧૨.૩૧ કરોડના ખર્ચે પાંચ અન્ડર ગ્રાઉન્ડ સંપ બનાવવામાં આવશે અને હયાત સંપની ક્ષમતા કરતાં વધુ ક્ષમતાના સંપ બનાવાશે. તાજેતરમાં જ આ સંપની કામગીરી માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પાંચ ટાંકીઓમાં નાલંદા, તાંદલજા, હરિનગર, નોર્થ હરણી અને પાણીગેટ ટાંકીનો સમાવેશ થાય છે. જેમાં નાલંદા ટાંકી ૧૮ લાખ લિટરની ક્ષમતા છે તેના ૩૬ લાખ લિટર ક્ષમતાના બે અન્ડર ગ્રાઉન્ડ સંપ છે. અહીંથી ત્રણ ઝોનમાં પાણી અપાય છે. આ સંપની ક્ષમતા ઓછી પડે છે અને સંપ પણ જર્જરિત છે. જેથી નવો સંપ બન્યા બાદ જૂનો સંપ પણ રિપેર કરાશે. અહીં ૬.૧૯ કરોડના ખર્ચે સંપ બનાવાશે. તેવી જ રીતે, નોર્થ હરણી ટાંકીની ક્ષમતા ર૭ લાખ લિટરની છે. જ્યારે સંપ ૪ લાખ ૭પ હજાર લિટરનો છે. અહીં વધારાનો ર.પ એમએલડીનો સંપ રૂા.૭પ.૪૦ લાખના ખર્ચે બનાવાશે.

જ્યારે તાંદલજામાં ૧૮લાખ લિટરની ઊંચી ટાંકી અને ૧૮-૧૮ લાખના બે સંપ છે. અહીં બે કરોડના ખર્ચે ૩૬ લાખ લિટર ક્ષમતાનો નવો સંપ બનતાં પાણીનું સ્ટોરેજ વધારી શકાશે, સાથે પૂરતા પ્રેશરથી પાણી આપી શકાશે. તેવી જ રીતે, ગોત્રી હરિનગર પાણીની ટાંકી ૧૮ લાખ લિટરની છે. ૯૯ લાખ લિટરની ક્ષમતાના ૩ સંપ પૈકી ર૭ લાખ લિટરનો એક સંપ જર્જરિત હાલતમાં છે તેને તોડીને રૂા.૧.૭૩ કરોડના ખર્ચે પ૦ લાખ લિટર ક્ષમતાનો નવો સંપ બનતાં પાણીનંુ સ્ટોરેજ વધશે.

પાણીગેટ ટાંકીથી પૂર્વ અને દક્ષિણના ઘણાં વિસ્તારોમાં પાણી અપાય છે. અહીં ૧૮ લાખ લિટરની ઓવરહેડ ટાંકી અને ૧૬૫ લાખ લિટર ક્ષમતાના સંપ છે. આ ટાંકીનો સંપ ઘણો જૂનો અને જર્જરિત છે જેનો સ્લેબ પણ તૂટી જતાં ચોમાસામાં બેરિકેટ કરવા પડયા હતા. સંપમાં સ્ટોરેજ અને કેપેસિટીનો પ્રશ્ન નિવારવા રૂા.૧.૬૮ કરોડના ખર્ચે નવો સંપ બનાવાશે, જેથી શહેરના છેવાડાના લોકો સુધી પૂરતું અને પ્રેશરથી પાણી વિતરણ થઈ શકશે.

તાંદલજા ખાતે સંપની કામગીરી ઃ આજે ૫૦ હજારથી લોકો પાણીથી વંચિત રહેશે

વડોદરા મહાનગર પાલિકા દ્વારા તાંદલજા પાણીની ટાંકી ખાતે નવો સંપ બનાવવાની કામગીરીના પગલે આવતીકાલે પાણીકાપની જાહેરાત કરી છે. જેના કારણે શુક્રવારે બપોર બાદ પાણી વિતરણ કરવામાં આવશે નહીં અને શનિવારે સવારે ઓછા પ્રેશરથી પાણી અપાશે જેના કારણે અંદાજે ૫૦ હજાર લોકો અસરગ્રસ્ત બનશે. શહેરમાં મેઇન્ટનન્સ અને લીકેજ સહિતની કામગીરીને લઇને વારંવાર પાણી કાપ જાહેર કરવામાં આવે છે, જેને પગલે વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે. એવામાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા તાંદલજા પાણીની ટાંકી ખાતે નવો સંપ બનાવવાની કામગીરીમાં નડતરરૂપ ૬૦૦ એમ.એમની પાણીની પાઇપલાઇનની શિફ્ટિંગ કામગીરી આવતીકાલે હાથ ધરવામાં આવશે, જેથી સાંજના સમયનું પાણી વિતરણ કરી શકાશે નહીં અને શનિવારના રોજ સવારે પાણી ઓછા સમય માટે પુરું પાડવામાં આવશે. જેના કારણે તાંદલજા ટાંકી ખાતેથી પાણી મેળવતા અંદાજે ૫૦ હજાર લોકોને પાણીકાપનો સામનો કરવો પડશે. વડોદરા શહેરમાં દોઢ વર્ષ પહેલા દૂષિત પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેને લઇને વારંવાર પાણી કાપ મૂકવામાં આવતો હતો.