નડિયાદ : કપડવંજ તાલુકાના નિરમાલી ગામની સગીરાને ગામની જ પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા ખેતરમાં ઉપાડી જઈને દુષ્કર્મ ગુજારવાની પોલીસ ફરિયાદ એક મહિના અગાઉ થઈ હોવા છતાં આજદિન સુધી આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં પોલીસ બેદરકાર હોવાનું બહાર આવ્યું છે. જેને પગલે ખેડા જિલ્લા અને કપડવંજ તાલુકા ઠાકોર સેના દ્વારા લેખિત આવેદનપત્ર આપીને આગામી ૭૨ કલાકમાં આરોપી શિક્ષકને જેલ ભેગો કરવામાં નહિ આવે તો ગુજરાતભરમાં ઠાકોર સેના દ્વારા દેખાવો કરીને ન્યાયની માગણી કરવામાં આવશે, તેવી ચીમકી ઉચ્ચારી છે. ખેડા જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં ઠાકોર સેના દ્વારા પોલીસ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરાયાં છે. સગીરા ઉપર બળાત્કારના મામલાને દબાવી દેવાના ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપ પણ ઠાકોર સેનાએ કર્યાં છે. જિલ્લામાં ખાખી વર્દીધારીઓ દ્વારા આરોપી શિક્ષકને બચાવી લેવા સગીરાનાં પરિવારજનોને નાણાકીય લાલચ આપીને ફરિયાદ પછી ખેંચી લેવાં ભરપૂર દબાણ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપ પણ ઠાકોર સેના દ્વારા આવેદનપત્રમાં કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે ખેડા જિલ્લા પોલીસ વડા દ્વારા ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવે તો સગીરા દુષ્કર્મ મામલામાં ભીનું સંકેલી લેવાના પ્રયાસો થયાં હોવાનું બહાર આવી શકે છે. 

સગીરાનાં પરિવારને લાલચ અને ધમકી આપનાર જવાબદાર ખાખીધારી કોણ?

ઠાકોર સેના દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યાં છે કે, જવાબદાર પોલીસ અધિકારી દ્વારા ભોગ બનેલી સગીરાનાં પરિવારજનોને લાલચ અને ધમકીઓ આપીને ફરિયાદ પાછી ખેંચી લેવાં દબાણ કરવામાં આવી રહ્યું છે. આ આક્ષેપના પગલે સનસનાટી મચી ગઈ છે. જિલ્લાભરમાં સવાલો ઊઠી રહ્યાં છે કે સગીરા ઉપર બળાત્કાર કરનાર શિક્ષકને છાવરનાર એ પોલીસ અધિકારી કોણ છે?

ખેડા જિલ્લા ઠાકોર સેનાના યુવાનો કપડવંજ પોલીસ મથક ખાતે આમરણાંત ઉપવાસ કરશે

આગામી ૭૨ કલાકમાં આરોપી લંપટ શિક્ષકની ધરપકડ કરવામાં નહિ આવે તો કપડવંજ પોલીસ મથક ખાતે જિલ્લા ઠાકોર સેનાના યુવાનો આમરણાંત ઉપવાસ કરીને સગીરાને ન્યાય અપાવવા આંદોલન કરશે, તેવું કપડવંજ તાલુકા ઠાકોર સેનાના પ્રમુખ પરવતસિંહ પરમારે જણાવ્યું હતું.