મહેસાણા-

ભારતીય સમાજમાં લગ્નને ખૂબ જ પવિત્ર અને કાયદેસરનો દરજ્જો આપવામાં આવે છે અને પતિ-પત્નીને સમાજમાં કાનૂની દરજ્જા સાથે આદર અપાય છે, પણ ક્યારેક છેતરપિંડીના કિસ્સા જે રીતે સામે આવે છે, એ જોતાં સામાન્ય માણસનો લગ્ન જેવી સામાજીક માન્યતા પ્રાપ્ત વિધિમાંથી પણ વિશ્વાસ ઉઠી જાય એવું બનતું હોય છે. 

મહેસાણાના દિયોદર ગામે પત્નીએ કંઈક ખેલ કરીને એક જગ્યાએ લગ્ન કર્યા બાદ પતિને અંધારામાં રાખીને બીજા લગ્ન કરી લીધા હતા.પત્ની પિયર પાછી ફરે તેની દિવસો સુધી રાહ જોયા બાદ પણ તે પાછી ન ફરતા પતિએ ખુદ સાસરે જઈને તપાસ કરી ત્યારે સમગ્ર કારસો બહાર આવ્યો હતો. ત્યાં સુધી કે પત્નીના આ કરતૂતની પતિને જાણ થઈ ત્યારે બહુ મોડું થઈ ગયું હતું.

દિયોદરના ફોરણામાં વિક્રમ ચૌધરીના લગ્ન ખોડા ગામની મોંઘીબેન સાથે થયા હતા. થોડા દિવસો પછી એ પિયર જવાનું કહીને ઘરેથી નિકળી ગઈ હતી. એકવાર રસ્તામાં મળતાં વિક્રમે તેને ઘરે આવવા બાબતે પૂછ્યું તો, તેણે કહ્યું હતું કે, તે કદી પાછી નહીં આવે. આ બાબતે વિક્રમ સાસરીમાં ગયો તો ત્યાં પણ ઘરવાળાએ મોંઘીના છૂટાછેડા થઈ ગયા હોવાનું અને હવે બીજે લગ્ન પણ થઈ ગયાનું કહેતાં વિક્રમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. 

આ બનાવની વધુ તપાસ કરતાં ઘરવાળાને ખબર પડી હતી કે, મોંઘીએ વિક્રમ પાસે કાગળો બનાવીને છૂટાછેડા કરાર પર છેતરપિંડીથી સહી કરાવી લીધી હતી. પરિવારને અંધારામાં રાખીને આ પ્રકારની છેતરપિંડી કરાતા સમગ્ર પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને પત્ની સાથે બીજા લગ્ન કરનાર ભરત ચૌધરી, નોટરી તેમજ સાક્ષી સામે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.