મુંબઇ

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઇ રહી. એક બાદ એક અડચણ આવતી જ જઈ રહી છે. સચિન વાઝે કેસ અને પરમવીરસિંહના લેટર બોમ્બ બાદ હવે સરકારને લોકડાઉન અંગે હેરાનગતી થઇ રહી છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસને કારણે સ્થિતિ એકદમ ગંભીર છે. કોવિડ ટાસ્ક ફોર્સે કોરોનાને રોકવા માટે લોકડાઉન કરવાની ભલામણ કરી છે, ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ તૈયારીઓ માટેની સૂચના પણ આપી છે. જો કે સરકારના સહયોગી દળ એનસીપી ઉદ્ધવના આદેશ પર સહમત નથી. મહારાષ્ટ્રમાં મંત્રી અને એનસીપી નેતાએ લોકડાઉન મામલે ઉદ્ધવ ઠાકરેથી વિપરીત અભિપ્રાય આપ્યો છે. તેઓએ કહ્યું છે કે લોકડાઉન પોસાય એમ નથી.

એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે અમે મુખ્યમંત્રીને અન્ય વિકલ્પો પર વિચારવા જણાવ્યું છે. તેમણે કોરોનાના વધતા જતા કેસોને કારણે વહીવટી તંત્રને લોકડાઉન લાદવાનો આદેશ આપ્યો છે, પરંતુ આનો અર્થ એ નથી કે લોકડાઉન અનિવાર્ય છે. જો લોકો નિયમોનું પાલન કરશે તો તેને પણ ટાળી શકાય એમ છે.

તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે આવી યોજના તૈયાર કરવા સૂચના આપી હતી, જેનાથી અર્થતંત્રને ઓછામાં ઓછી અસર થાય. રાજ્ય આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ડો. પ્રદિપ વ્યાસે મુખ્યમંત્રી સાથેની બેઠકમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં બેડની સંખ્યા, ઓક્સિજન સપ્લાય અને વેન્ટિલેટરની સંખ્યા ઉપર ભારે દબાણ આવશે અને જો કેસની સંખ્યામાં વધારો થાય તો તેની અપૂરતી પણ આવી શકે છે. નિવેદનમાં મુખ્યમંત્રીના હવાલેથી કહેવામાં આવ્યું છે કે લોકડાઉનની જાહેરાત કરવામાં આવે ત્યારે લોકોમાં કોઈ મૂંઝવણ ન હોવી જોઇએ.

સોમવારે એટલે કે 29 માર્ચે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસોમાં થોડો ઘટાડો થયો હતો. એક દિવસ પહેલા 40 હજારથી વધુ નવા કેસ મળ્યા બાદ રાજ્યમાં 31,643 દર્દીઓ મળી આવ્યા હતા. આ 24 કલાકમાં કોરોનાના કારણે 102 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. રાજ્યમાં કુલ કેસ વધીને 27,45,518 પર પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં 23,53,307 લોકો ઠીક થઇ ગયા છે. જ્યારે 3,36,584 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મુંબઇ, પુના, નાગપુર સહિતના ઘણા શહેરોમાં, કોરોના સંપૂર્ણપણે બેકાબૂ બની ગયો છે. આને કારણે અનેક પ્રકારના નિયંત્રણો પણ લાદવામાં આવી રહ્યા છે. ઓરંગાબાદ અને નાગપુરમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. નાગપુરમાં 31 માર્ચ સુધી લોકડાઉન રહેશે, જ્યારે ઓરંગાબાદમાં 30 માર્ચથી 8 એપ્રિલ સુધી લોકડાઉન રહેશે. લોકડાઉન દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓની મંજૂરી આપવામાં આવશે. તે જ સમયે, સમગ્ર રાજ્યમાં નાઇટ કર્ફ્યુની પણ ઘોષણા કરવામાં આવી છે, જે દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓની મંજૂરી છે.