વડોદરા : સલાઉદ્દીનના વડોદરામાં જ રહેતા એમના અન્ય સાથીદારો ઉપરાંત હવાલાના નેટવર્કથી અત્રે રૂપિયા પહોંચતા કરનાર ફતેગંજના હવાલાકિંગ તરીકે ઓળખાતો ઈસમ પણ તપાસ એજન્સીઓના રડારમાં છે. ગોધરાકાંડ બાદ મુસ્લિમોની મદદ માટે વિદેશમાંથી લવાયેલા કરોડો રૂપિયાનો જૂનો રૂટ ફરીથી કાર્યરત કરાયો હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. મુસ્લિમ મેડિકલ ટ્રસ્ટના અગાઉના ટ્રસ્ટીનું મોત થયા બાદ સલાઉદ્દીને ટ્રસ્ટનો બધો વહીવટ સંભાળી લીધો હતો. મૂળ ઉત્તર પ્રદેશનો જ રહેવાસી હોવાથી સલાઉદ્દીન સાથે ત્યાંના કટ્ટરપંથીઓ સંપર્કમાં હતા અને ટ્રસ્ટના અન્ય સભ્યોને ગેરમાર્ગે દોરી મોટી મોટી રકમ ધર્માંતરણની પ્રવૃત્તિને ફંડિંગ માટે મોકલતો હોવાનું તપાસ અધિકારીએ શોધી કાઢયું છે. યુ.કે.નું અલફલા નામનું એનજીઓ આખા દેશમાં મુસ્લિમ સંસ્થાઓને મદદ કરે છે, પરંતુ એફસીઆરએ એટલે કે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ પ્રમાણે જે તે સંસ્થાના બેન્ક એકાઉન્ટમાં જ રૂપિયા મોકલે છે. પરંતુ મુસ્લિમ મેડિકલ ટ્રસ્ટે આ રૂપિયા બેન્કમાંથી ઉપાડી પીએમ એન્ટરપ્રાઈઝ નામના અલકાપુરી સ્થિત આંગડિયા પેઢી દ્વારા યુ.પી. મોકલતો હતો. ત્યારે આ મામલામાં ગલ્ફના દેશોમાંથી આવેલા હવાલાના રૂપિયાની રકમ પણ ફતેગંજના જ હવાલાકિંગ પાસેથી મેળવી મોકલાતી હોવાનું તપાસ દરમિયાન ધ્યાન ઉપર આવ્યું છે.

સલાઉદ્દીન સાથે સંકળાયેલા અન્ય ત્રણ ઈસમો સાથે નિયમિત ફોન ઉપર સલાઉદ્દીન વાતો કરતો હોવાનું એની કોલ ડિટેઈલ ઉપરથી બહાર આવ્યું છે. ત્યારે હવાલાકિંગ ઉપરાંત અન્ય ત્રણ ઈસમો જે પૈકી એક અગાઉ આવી પ્રવૃત્તિ હેઠળ ઝડપાઈ ચૂકયો છે, એની તપાસ માટે યુ.પી. એટીએસ પુનઃ વડોદરા આવશે એમ સૂત્રોએ જણાવ્યું છે.