દે.બારીયા

આંગણવાડીના સુપરવાઇઝરની નોકરી માટે ચાલ ચલગતનો દાખલો તથા સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મળવા અંગેની કાર્યવાહી કરવા માટે રૂપિયા ૬ હજારની લાંચ સ્વીકારતા કાળીડુંગરી બસ સ્ટેન્ડ પાસે દાહોદ એસીબીએ ગોઠવેલ છટકા માં દેવગઢ બારિયા તાલુકાના વિરોલ ગામના મહિલા સરપંચ રંગે હાથ આબાદ ઝડપાઇ જતા બારીયા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

 પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના વિરોલ ગામની એક મહિલાએ સપ્ટેમ્બર ૨૦૨૦માં દેવગઢ બારીયા તાલુકામાં આવેલ આંગણવાડીઓમાં સુપરવાઇઝર ની જાહેરાત પડેલ જેમાં સુપરવાઇઝરનું ફોર્મ ભર્યું હતુંં. જે સુપરવાઇઝરના ફોર્મ સાથે ગામના જુના સરપંચના ચાલ ચલગત ના દાખલાની નકલ જાેડી હતી. પરંતુ હાલના નવા સરપંચનો ચાલ ચલગતનો દાખલો સુપરવાઇઝર ફોર્મમાં જાેડવાનો હોવાથી તે માટે મહિલાના પતિએ દસેક દિવસ પહેલા વિરોલ ગામ ના નવા મહિલા સરપંચ વાલીબેન સુરેશભાઈ વણકરને રૂબરૂ મળ્યા હતા અને ચાલ ચલગત નો દાખલો આપવા તથા સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મળવા અંગેની કાર્યવાહી કરી આપવા ની પણ વાત કરતા મહિલા સરપંચે આ બે કામ માટે રૂપિયા ૬૫૦૦ ની લાંચની માંગણી કરી હતી જેથી તે મહિલાના પતિએ થોડું વધતું ઓછું કરવા જણાવતા તેઓએ રકઝકના અંતે રૂપિયા ૬,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ તે મહિલાના પતિ આપવા માંગતા ન હોય તેઓએ દાહોદ એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી આ સંબંધે ફરીયાદ આપી હતી જે ફરિયાદના આધારે દાહોદ એસીબી પીઆઈ પી.કે. અસોડાના નેતૃત્વવાળી ટીમએ નક્કી કરેલ સ્થળ દેવગઢ બારિયા તાલુકાના કાળીડુંગરી ગામ ના બસ સ્ટેન્ડ પાસેની એક જગ્યાએ ટ્રેપ નું આયોજન કર્યું હતું. અને તે મહિલાના પતિને રૂપિયા ૬ હજારની કિંમતની પાવડર વાળી ચલણી નોટો આપી હતી જે ટ્રેપમાં વિરોલ ગામના મહિલા સરપંચ વાલીબેન સુરેશભાઈએ તે મહિલાના પતિ પાસેથી પાવડર વાળી રૂપિયા ૬,૦૦૦ ની ચલણી નોટો લાંચ પેટે સ્વીકારતા રંગે હાથ આબાદ ઝડપાઇ જતા તેની અટક કરી વધુ પૂછપરછ માટે દાહોદ એસીબી પોલીસ સ્ટેશને લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.