દિલ્હી-

આગામી પહેલી એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ રહી છે અને આ સાથે જ નવા નાણાકીય વર્ષમાં કી નિયમો અને કાયદામાં પણ ફેરફાર આવી શકે છે. તેમાં સૌથી મોટો ફેરફાર કર્મચારીઓના કામના કલાકોમાં આવી શકે છે. એક અહેવાલ પ્રમાણે નવા નાણાકીય વર્ષથી વર્કિંગ અવર્સ ૧૨ કલાક થઈ શકે છે. સાથે જ કર્મચારીઓની ગ્રેચ્યુઇટી અને પ્રોવિડન્ટ ફંડમાં પણ વધારો થઈ શકે છે. જાે કે, એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે, કર્મચારીઓના કામના કલાકો ભલે ૧૨ થાય પણ સામે સપ્તાહમાં માત્ર ૪ જ દિવસ કામ કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સંસદમાં ૩ વેતન કોડ બિલ પાસ થયા હતા. આ ત્રણેય કાયદા પહેલી એપ્રિલથી લાગુ થઈ શકે છે. જાે આવું થશે તો કર્મચારીઓના હાથમાં આવતા પૈસા ઘટી જશે. સાથે જ તેની અસર કર્મચારીઓ અને નોકરીદાતા પર પણ પડશે. આ નવા નિયમોથી ખાનગી કંપનીઓની બેલેન્સ શીટ પણ પ્રભાવિત થશે. પગારની નવી વ્યાખ્યા પ્રમાણે હવે કુલ સેલેરીના મહત્તમ ૫૦ ટકા જ ભથ્થાં રહેશે.

આઝાદ ભારતના ૭૩ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત શ્રમ કાયદામાં મોટા ફેરફાર કરાયા છે. કેન્દ્ર સરકારે કરેલા દાવા પ્રમાણે નવા કાયદાથી નોકરીદાતા અને શ્રમિકો બંનેને ફાયદો મળશે.

નવા નિયમ પ્રમાણે હવે મૂળ વેતન કુલ વેતનના ૫૦ ટકા કે વધારે હોવું જાેઈએ. આવું થશે તો કર્મચારીઓના સેલેરી સ્ટ્રક્ચરમાં ફેરફાર આવી જશે.

પ્રોવિડન્ટ ફંડ મૂળ વેતન પર આધારીત હોય છે માટે મૂળ વેતન વધવાથી પીએફ વધશે, મતલબ કે ટેક-હોમ અથવા તો હાથમાં આવતા પગારમાં કાપ આવશે.

કર્મચારીઓની ગ્રેચ્યુઈટી કે પીએફ વધવાથી રિટાયરમેન્ટ બાદ મળતી રાશિ વધશે.

નવા ડ્રાફ્ટ કાયદામાં મહત્તમ ૧૨ કલાક સુધી કામ કરવાનો પ્રસ્તાવ છે.

નિયમો પ્રમાણે કોઈ પણ કર્મચારી પાસે સતત ૫ કલાકથી વધારે કામ કરાવવું પ્રતિબંધિત કરાયું છે. કર્મચારીઓને દર ૫ કલાક બાદ ૩૦ મિનિટનો આરામ આપવા નિર્દેશ કરાયો છે.