નવી દિલ્હી

આ ખૂબ જ ચિંતાજનક સમાચાર છે. દેશમાં એક જ દિવસમાં 1.15 લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે 4 એપ્રિલના રોજ મળેલા 1.03 લાખ દર્દીનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો. 59,700 દર્દી સ્વસ્થ થયા અને 630 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ રીતે એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 24 કલાકમાં રેકોર્ડ 54,795નો વધારો થયો છે. અગાઉ 4 એપ્રિલના રોજ, 50,438 એક્ટિવ કેસ હતા; ત્યારે તે સૌથી વધુ હતા.

નવા કેસમાં દરરોજની જેમ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 55,469 પોઝિટિવ મળી આવ્યા છે. 9,921 નવા દર્દી સાથે છત્તીસગઢ બીજા સ્થાને છે. બંને રાજ્ય કુલ એક્ટિવ કેસમાં પણ ટોપ-2માં છે. મહારાષ્ટ્રમાં 4.72 લાખ, જ્યારે છત્તીસગઢમાં 52,445 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

દેશમાં અત્યારસુધીમાં લગભગ 1.28 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી લગભગ 1.18 કરોડ લોકો સાજા થયા છે અને 1.66 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.