કોલંબો-

શ્રીલંકાના સ્ટાર ફાસ્ટ બોલર લસિથ મલિંગા, જેણે ટી ૨૦ આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ વિકેટ લીધી છે, તેણે મંગળવારે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે મલિંગાએ ટેસ્ટ અને વન-ડે પહેલા જ નિવૃત્તિ લઈ લીધી હતી. મલિંગાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મેસેજ દ્વારા ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લીધેલી વિકેટ બતાવી હતી.

તેણે આ વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે 'રમત માટે મારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય.' મલિંગાએ કહ્યું, “છેલ્લા ૧૭ વર્ષમાં મેં જે અનુભવ મેળવ્યો છે તે હવે મેદાન પર જરૂરી નથી કારણ કે મેં તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો ર્નિણય કર્યો છે. પરંતુ હું આ રમતમાં આગળ વધવા માટે પ્રયત્નશીલ યુવા પેઢીને ટેકો અને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખીશ અને રમતને પ્રેમ કરનારા બધાની સાથે હું હંમેશા રહીશ.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાંચ વખત હેટ્રિક લેનાર મલિંગા ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે આ ફોર્મેટમાં ૧૦૭ વિકેટ લીધી છે. આ સાથે જ ૩૮ વર્ષીય મલિંગાએ આઈપીએલમાં ૧૭૦ વિકેટ લીધી છે. તમને જણાવી દઈએ કે આ ફાસ્ટ બોલરે ગત વર્ષે માર્ચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની છેલ્લી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.