મુંબઇ,

મુંબઈની મહિલા ટીમે ઈતિહાસ રચી દીધો છે. બીસીસીઆઈની સીનિયર મહિલા વન ડે ટ્રોફીમાં બુધવારના રોજ રમાયેલી મેચમાં મુંબઈએ નાગાલેન્ડને માત્ર ૧૭ રનમાં ઓલ આઉટ કરી દીધી હતી. ત્યાર બાદ મુંબઈએ ૧૮ રનના આ સામાન્ય સ્કોરને માત્ર ૪ બોલમાં વિના વિકેટે પાર કરી લીધો હતો. ઈંદોરના હોલ્કક સ્ટેડિયમમાં નાગાલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરાવાનો ર્નિણય કર્યો હતો. નાનાલેન્ડની મહિલા ખેલાડી એક પછી એક આઉટ થઈને પેવેલિયન ભેગી થવા લાગી. કોઈ પણ બેટ્‌સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શકી ન હતી. નાગાલેન્ડની પુરી ટીમ ૧૭.૪ ઓવરમાં ૧૭ રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. ૬ બેટ્‌સમેન તો પોતાનું ખાતુ પણ ખોલી શકી ન હતી. સરિબાએ સૌથી વધુ ૯ રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી સતધરેએ ૫ રન આપીને ૭ વિકેટ લીધી હતી. એમ.દક્ષિણીનીએ બે વિકેટ લીધી હતી. જ્યારે એસ. ઠાકોરે એક વિકેટ લીધી હતી, મુંબઈના બોલરે ૯ ઓવર મેડન નાખી હતી. જેના જવાબમાં મુંબઇએ ચાર બોલમાં કોઈ નુકસાન વિના ૨૦ રન બનાવીને મેચ જીતી લીધી. જેનો અર્થ છે કે ૨૯૬ બોલ બાકી હતા ત્યારે મુંબઈએ આ લક્ષ્ય હાંસલ કરી લીધુ હતું. ઇશા ઓઝા ૧૩ અને વૃષાલી ભગત છ રન બનાવીને અણનમ રહી હતી.

૨૦૧૭માં આવી જ મેચ નાગાલેન્ડ અને કેરળની મહિલા અન્ડર-૧૯ ટીમ વચ્ચે રમાઈ હતી. ગુંટુરમાં રમાયેલી ૫૦ ઓવરની મેચમાં નાગાલેન્ડની ટીમ ૧૭ ઓવરમાં ૨ રન બનાવી આઉટ થઈ ગઈ હતી. તેમાં પણ એક રન બેટ્‌સમેન દ્વારા બનાવ્યો હતો અને બીજો રન વાઈડ બોલથી બન્યો હતો. નાગાલેન્ડના ૯ ખેલાડીઓ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા. ઓપનર બેટ્‌સમેન માનેકાએ એક રન બનાવવા માટે ૧૮ બોલ રમ્યા હતા. જેના જવાબમાં કેરલે પ્રથમ બોલ પર જ જીત મેળવી લીધી હતી. આ અગાઉ નેપાળની ટીમે ઓગસ્ટ ૨૦૦૬માં મ્યાનમાર વિરુદ્ધ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) ટ્રોફી મેચમાં બે બોલમાં મેચ જીતી હતી. ત્યારબાદ મ્યાનમારની ટીમ ૧૦ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.