વડોદરા, તા.૧૧ 

કોરોના વકરતા લદાયેલા રાત્રી કર્ફ્‌યુ દરમ્યાન જાહેરનામા ભંગના ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળી રહ્યો છે. એની પાછળ લોકોની જાગૃતતા જવાબદાર છે કે પોલીસની ઢીલી નીતિ એ તપાસનો વિષય બની ગયો છે. જાેકે, માસ્ક વગર ફરતા વાહન ચાલકો હજુ પણ સુધરવાનું નામ લેતા નથી. છેલ્લા ૨૪ કલાકમાં માસ્ક વગર ફરતા ૧૧૬૬ લોકો પાસેથી પોલીસે ૧૧.૬૬ લાખનો અને પાલિકાએ ૭૨,૮૦૦ રૂપિયા દંડ વસુલ કર્યો છે. જ્યારે, મંગળવારે રાત્રે કર્ફ્‌યુના જાહેરનામા ભંગ બદલ શહેરભરના પોલીસમથકોમાં ૧૪ ગુનાઓ નોંધી ૧૬ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણમાં વધારો થાય એ રીતે માસ્ક વગર બહાર જાહેરમાં નીકળેલા ૧૧૬૬ લોકોને જુદા જુદા પોલીસ મથકોની ટીમોએ ઝડપી પાડી હતી, પોલીસે જાહેર સ્થળો અને પરિવહન સમયે માસ્ક નહીં પહેરવા બદલ આ ૧૧૬૬ લોકો પાસેથી રૂા.૧૧.૬૬ લાખ જેટલી રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ સાથે દિવસભર માસ્ક ચેકીંગ અંગેની કાર્યવાહી હાથ ધરીને પાલિકાની વિવિધ ટીમો દ્વારા ૭૨,૮૦૦ રૂપિયા દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત રાત્રિ કરફયૂના અમલ દરમિયાન માત્ર આવશ્યક અને સત્તાવાર પરવાનગી ધરાવનારાઓ જ બહાર નીકળી શકતા હોવા છતાં યોગ્ય કારણ વગર બહાર વાહન લઈને કે ચાલતા બહાર નીકળેલા ૧૬ લોકોને ઝડપી પાડી ફરફયૂના જાહેરનામાના ભંગ બદલ ૧૪ ગુનાઓ જુદા જુદા પોલીસ મથકોમાં નોંધાયા હતા.

પોલીસને જાેઈને ચાલકે કાર ભગાવતાં એલઆરડી જવાને દોડીને કારને અટકાવી

ગતરાત્રે સયાજીગંજ પોલીસમથકના કર્મીઓ નરહરિ સર્કલ પાસે રાત્રી કર્ફ્‌યુના અમલ માટેની ડ્યુટી પર હતા. તે દરમ્યાન રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ એક ફોરવ્હીલ કાર આવતા હાજર પોલીસકર્મીઓએ તેને ઉભી રાખવા માટે ઈશારો કર્યો હતો. જાેકે, કારનો ચાલક સ્પીડ વધારીને આગળ ભાગ્યો હતો. જેથી ત્યાં હાજર એક એલઆરડી જવાન કાર પાછળ દોડ્યો હતો અને થોડે જ આગળ કારને ઉભી રખાવી હતી. કાર ચલાવી રહેલા નારણભાઇ વાલજીભાઇ ખટીક પાસે રાત્રી કર્ફ્‌યુ દરમ્યાન બહાર નીકળવા માટે કોઈ યોગ્ય કારણ ન હતું. જ્યારે, બાજુની સીટ પર બેસેલા રિયાઝ ઇસ્માઇલ શેખે પૂછતાછ કરી રહેલા પોલીસકર્મીઓ સાથે ઉગ્ર વર્તન કરતા બંને વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 કાલાઘોડા પાસે રાત્રી કરર્ફયુુ દરમિયાન નશો કરીને ફરી રહેલા બે યુવકો ઝડપાયા

ગતરાત્રે દારૂના નશામાં ધૂત બે યુવકો જેલ રોડ તરફથી કાલાઘોડા સર્કલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે કાલાઘોડા સર્કલ ખાતે રાત્રી કર્ફ્‌યુના અમલ માટે ઉભા રહેલા પોલીસકર્મીઓને વાંકુચુંકુ બાઈક લઈને જઈ રહેલા આ યુવકો પર શંકા જતા તેમને ઉભા રાખ્યા હતા અને નામઠામ પૂછતાં મહેન્દ્ર કનૈયાલાલ શર્મા(રહે.શ્રીજી ટેનામેન્ટ, માણેજા) અને લક્ષ્મણ શંકર શ્રીમાળી(રહે.આંબેડકરનગર, ભાયલી) હોવાનું જણાવ્યું હતું. બ્રેથ એનેલાઇઝરની મદદથી તપાસ કરતા બંને દારૂના નશામાં હોવાનું સાબિત થતા પોલીસે બંને વિરુદ્ધ જાહેરનામા ભંગ સહીત પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.